ગુજરાત
News of Saturday, 29th January 2022

આવતા અઠવાડિયામાં કચ્છ જિલ્લામાં હળવા વાદળો વચ્ચે તાપમાન મોટા ઉતર ચડ કરશે

રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થાય

અમદાવાદ :સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો ઠાર હજી પણ જારી રહ્યું છે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં  કોઈ ખાસ ફેરફાર ન થતા ઠારનો માર યથાવત્ રહ્યો છે. તો હજુ પણ બે દિવસ સુધી લઘુતમ તાપમાનમાં  નોંધપાત્ર ફેરફાર નહીં થાય. આવતા અઠવાડિયામાં કચ્છ જિલ્લામાં હળવા વાદળો થકી જિલ્લાનું તાપમાન ઉતર ચડ કરશે.

રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી લઘુતમ તાપમાનનો પારો નીચે સરકી રહ્યો છે તો અનેક વખત રાજ્યના જિલ્લાઓમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો હતો અને ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું હતું અને લોકો ઠુંઠવાયા હતા. જ્યારે આજે રાજ્યના જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 6 ડિગ્રીથી 16 ડિગ્રી નોંધાયું છે.

સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ ઘટતું જાય છે પરંતુ આ વર્ષે ઉત્તરાયણ બાદ ઠંડા પવનો વેગીલા બનતા રાજ્યમાં ઠેર ઠેર ઠારનો માહોલ જામ્યો છે અને લોકોને ઠંડા અને સૂકા પવનોનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસભર ઠંડા પવનોના લીધે લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી છે તો ઠંડીની તીવ્રતા જારી રહેતા હારના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે માર્ગો પર ચહલ-પહલ નું પ્રમાણ પણ ઘટયું છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા માહિતી મુજબ આગામી બે દિવસો સુધી લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા નહીં મળે ત્યાર બાદ સોમવારથી રાજ્યમાં લઘુતમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી વધારો થશે અને ઠંડીમાં આંશિક રાહત મળશે.

આજે રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો છેલ્લાં થોડાંક દિવસના સરખામણીએ ઊંચે ચડ્યો હતો અને ઠંડીના પ્રમાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. તો રાજ્યના શિતમથક નલિયા ખાતે પારો 6.1 નોંધાયો હતો. ત્યાર બાદ રાજ્યમાં બીજા નંબરે સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ખાતે નોંધાયું હતું. ગાંધીનગર ખાતે લઘુતમ તાપમાન 7.9 ડિગ્રી નોંધાયું હતું.

કચ્છના જિલ્લામથક ભુજમાં આજે શનિવારે ન્યુનત્તમ તાપમાન 1.4 ડિગ્રી વધીને 13.2 ડિગ્રી નોંધાયું હતું. કચ્છના શીત મથક નલિયાનું ન્યુનતમ તાપમાન પણ એક ડિગ્રી વધીને 9.6 ડિગ્રી નોંધાયું હતું. તો બીજી તરફ કંડલા પોર્ટ પર ન્યુનતમ તાપમાન 0.6 ડિગ્રી ઘટી 12.6 ડિગ્રી નોંધાયું હતું.

આવતા અઠવાડિયામાં જિલ્લામાં હળવા વાદળો થકી તાપમાનમાં ઉતાર ચડાવ જોવા મળશે. સોમવાર સુધી જિલ્લામાં તાપમાન થોડો ઉંચો આવશે પણ રવિવારથી મંગળવાર અને બાદમાં ગુરુવાર વચ્ચે આકાશમાં છૂટાછવાયા વાદળોના કારણે ફરી તાપમાન થોડો નીચો જશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

(10:49 pm IST)