ગુજરાત
News of Saturday, 29th January 2022

વડોદરાના સમા વિસ્તારમાં ધોળે દિવસે બંગલાને નિશાન બનાવી તસ્કરોએ 10 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરાઃ સમા વિસ્તારના બંગલામાં ધોળે દિવસે ત્રાટકીને રૃ.૧૦લાખથી વધુ કિંમતના દાગીના અને અન્ય મત્તા ચોરી જનાર ચોરોએ ફતેગંજ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.સમગ્ર બનાવમાં જાણભેદુનો હાથ હોવાનું મનાઇ રહ્યું છે. સમાના મેઇન રોડ પર આવેલી આત્મરાજ સોસાયટીના ગાયત્રી બંગલોમાં રહેતા અને નિઝામપુરામાં ખાનગી ટયુશન ક્લાસ ચલાવતા કૌશિકભાઇ વ્યાસ તેમના પરિવારજનો સાથે પરિવારના એક સદસ્યનું અવસાન થતાં વિધિમાં હાજરી આપવા માટે સવારે નવ વાગે ખંભાત ગયા હતા. તેઓ બપોરે સાડા ત્રણેક વાગે પરત ફર્યા ત્યારે મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો અને લોક તૂટેલા હતા અને અંદરના બે રૃમમાં તિજોરીના લોકર અને અન્ય સામાન વેરવિખેર હતો. પ્રાથમિક તબક્કે પ્રાપ્ત વિગતો મુજબ ચોરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને અંદાજે રૃ.૧૦ લાખની રકમ ઉઠાવી ગયા હોવાનું મનાય છે.બનાવની જાણ થતાં જ ફતેગંજ પોલીસના પીઆઇ એ બી જાડેજા અને સ્ટાફના માણસો દોડી ગયા હતા.મોડી સાંજે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી છે.

(7:58 pm IST)