ગુજરાત
News of Saturday, 29th January 2022

રાજયના યુવાઓને સરકારી સેવાઓ પુરી પાડવા રાજય સરકારનો મકકમ નિર્ધારઃગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી

ગૃહ વિભાગ હસ્તક પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શીરીતે યોજવા નવતર અભિગમ ઉમેદવારોને પોલીસ ભરતી અંગે માર્ગદર્શન માટે વિડીયો સિરીઝનુ વિમોચન કરતા ગૃહમંત્રી :યુવાનોનુ મનોબળ વધારવા તૈયાર કરાયેલ માર્ગદર્શન સિરીઝ નાગરિકો માટે વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ:આગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયાઓ આવશે:ઉમેદવારો પોતાની તૈયારીઓ ચાલુ રાખે

અમદાવાદ :રાજયના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજયના યુવાઓને સરકારી સેવાઓ પુરી પાડવા રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને સંપૂર્ણ પારદર્શી પધ્ધતિથી ભરતી પ્રક્રિયાઓ યોજવામા આવી રહી છે. રાજય સરકારે ભરતી માટે વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરીને અનેક યુવાનોને સરકારી સેવાઓ પૂરી પાડી છે.

  ગૃહ મંત્રી સંઘવીએ આજે ગાધીનગર ખાતેથી પોલીસ ભરતી સંદર્ભે ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે એ માટે ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરેલ વિડીયો સિરીઝનુ વિમોચન કરતા કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ હસ્તક પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શી રીતે યોજવા માટે નવતર અભિગમ દાખવીને ટેકનોલોજીના માધ્યમથી આ પ્રયાસ કરાયો છે જે ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે
મંત્રીએ ઉમેર્યુ કે,રાજય સરકાર પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે યોજવા કટીબધ્ધ છે અને આ સંદર્ભે ઉમેદવારોને પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાત પોલીસ દ્વારા આ વીડિયો સીરીઝ તૈયાર કરવામાં આવી છે.જેમાં ઉમેદવારો કોઇપણ અફવા અને લે-ભાગુ તત્વોના ચુંગાલમાં ના ફસાય અને પોતાના ધ્યેય પર મક્કમ રહે તેના માટે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ છેલ્લી એલ.આર.ડી. અને પી.એસ.આઇ. પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોના મંતવ્ય, ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓના મંતવ્ય, પોલીસ દ્વારા ચલાવાતી વિવિધ પરીક્ષા માર્ગદર્શન કેન્દ્રો અને વિવિધ ઉમેદવારોના મંતવ્ય લેવાયા છે.
તેમણે ઉમેર્યુ કે,ઉમેદવારોને લેખિત પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? કઇ બાબતો ધ્યાનમાં રાખવી? શું કરવું? શું ના કરવું? ખાન-પાન અને પરીક્ષા સમયે માનસિક અને શારીરિક રીતે કેવી રીતે ફીટ રહેવું? તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ સીરીઝમાં પુરૂ પાડવામા આવ્યુ છે.આ માર્ગદર્શન સિરીઝ નાગરિકો માટે વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. જેનો લાભ ઉમેદવારોને થશે. અને આ વિડીયો સિરીઝ ઉમેદવારોનું મનોબળ વધારવામાં મદદરૂપ થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મંત્રીએ તૈયારી કરતા યુવાનોને શુભેચ્છા આપતા કહ્યુ કે, ગૃહ વિભાગમા વિવિધ સંવર્ગો માટે આગામી સમયમા નવી ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવાનુ રાજય સરકારનુ આયોજન છે તો આપ પોતાની તૈયારીઓ મહેનત કરીને ચાલુ રાખશો આ સીરિઝ પણ આપને ચોકકસ મદદરૂપ થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યુ કે, ગૃહ મંત્રીએ ગૃહ વિભાગને નવી દિશા, નવી ઉર્જા અને નવો ઉત્સાહ પુરો પાડીને લાંબા ગાળાના લાભો રાજયના નાગરિકોને થાય તે માટે સતત પ્રયાસો કરી રહ્યા છે તે પૈકી આ આજે પ્રથમ મણકો આ માર્ગદર્શક સીરીઝ દ્વારા અપ્રતિમ પ્રયાસ ગૃહ વિભાગ દ્વારા કરાયો છે. રાજયમાં ગુણવત્તાયુક્ત પોલીસ બળ મળે તે માટે ગૃહ વિભાગ દ્વારા સંપૂર્ણ પરદર્શી રીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે યુવાનોએ મહેનત કરે અને રાજય સરકાર દ્વારા કરાયેલ આ પ્રયાસનો મહત્તમ ઉપયોગ કરે તેમ તેમણે ઉમુર્યુ હતું.
રાજયના ડી.જી.પી.આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા પોલીસ ભરતીની પ્રક્રિયા સંપુર્ણ પારદર્શી રીતે યોજાઇ રહી છે અને આગામી સમયમાં પણ નવી ભરતીઓ હાથ ધરાશે. રાજયમાં વર્ષ ૨૦૧૦થી આજદીન સુધી તબક્કાવાર વિવિધ સંવર્ગની ભરતીઓ હાથ ધરાઇ છે. પરીક્ષા પધ્ધતીમાં પણ સમયાનુસાર બદલાવ કરીને ટેકનોલોજીના માધ્યમ દ્વારા પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે.
પી.એસ.આઇ. ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે પોલીસ સંરક્ષક અને લોકસંરક્ષક દળની ભરતી પ્રક્રિયાના માર્ગદર્શન માટે આ ડોકયુમેન્ટ્રી તૈયાર કરાઇ છે તેનો યુવાનો મહત્તમ ઉપયોગ કરે. પી.એસ.આઇ. સંવર્ગની ભરતી માટે ૪.૫ લાખથી વધુ યુવાનોએ ૧૫ જેટલા કેન્દ્દો ઉપર શારિરીક કસોટીની પરિક્ષા સંપુર્ણ પરદર્શી રીતે લેવાઇ હતી તૈ પૈકી ૨૫ લાખ ઉમેદવારો સફળ થયા છે આ માટેની પ્રિલીમ પરીક્ષા ફેબ્રુઆરી માસમાં યોજાશે.
એલ.આર.ડી. બોર્ડના ચેરમેન એચ.એસ. પટેલે  જણાવ્યુ હતું કે, લોકરક્ષકની ભરતી માટે ૮.૮૬ લાખ અરજીઓ આવી હતી તેમની શારિરીક કસોટી ૩જી ડીસેમ્બરથી શરૂ કરાઇ છે.  મળેલી અરજીઓ પૈકી ૬.૯૮ લાખ ઉમેદવારો શારિરિક કસોટી માટે હાજર રહ્યા હતા તે પૈકી ૩.૦૫ લાખ ઉમેદવારોએ આ કસોટી પાસ કરી છે. આ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી માર્ચ માસમાં લેવાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે પોલીસ અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

(6:33 pm IST)