સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચાલી રહેલુ જુગારધામ સ્ટેટ વિજીલન્સના દરોડામાં ઝડપાયુઃ સુરત પોલીસ કમિશનર દ્વારા રાંદેર પોલીસ મથકના પીઆઇ બલદાણિયા સસ્પેન્સ કરાયા
સુરત: શહેરના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ધમધમી રહેલા જુગારના અડ્ડા પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડીને 30થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં સુરત પોલીસ કમિશનર દ્વારા રાંદેર પોલીસ મથકના PI બલદાણીયા કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાંદેર સ્થિત શીતલ ટૉકિઝ નજીક મોટાપાયે જુગારધામ ચાલી રહ્યું હતું. જેના માટે સ્થાનિક લોકોએ પોલીસને અનેક વખત જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી. જે બાદ સ્ટેટ વિજિલન્સની ટીમને ફરિયાદ કરતાં તેમની ટીમે સ્થાનિક પોલીસની જાણ વિના દરોડો પાડ્યો હતો. વિજિલન્સની ટીમના દરોડા દરમિયાન અનેક જુગારીઓ રંગેહાથ ઝડપાયા હતા.
સ્ટેટ વિજિલન્સની ટીમે જુગારીઓને માલ સામાન સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ વિજિલન્સની ટીમે ધોળા દિવસે દરોડા પાડીને મોટા જુગારધામનો પર્દાફાશ કરતાં સ્થાનિક પોલીસ અને SOGની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા હતા.
જે બાદ આજે પોલીસ કમિશનર દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનના PI ડીવી બલદાણીયાને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે આગળની તપાસ સેક્ટર-1ને સોંપવામાં આવી છે.