ગુજરાત
News of Monday, 21st January 2019

ત્રણ દિવસીય ૯મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્ણ

૨૧ લાખથી વધુ રોજગારીની તકો સર્જાશે : સમિટમાં ૨૮૩૬૦ એમઓયુ : ૨૭૦૦૦ પાર્ટનરશીપની રચના : ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ- મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સમિટ પૂર્ણ

અમદાવાદ,તા.૨૦ : ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટની આજે પૂર્ણાહુતિ થઈ હતી. પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત વાયબ્રન્ટ સમિટમાં અનેક એમઓયુ થયા હતા. નાણાનો વરસાદ થયો હતો. જુદા જુદા ક્ષેત્રોમાં જંગી મૂડીરોકાણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગ સાહસિકો સેકટરમાં કંપનીઓ દ્વારા ૨૧,૦૦૦ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જુદા જુદા ક્ષેત્રમાં પણ એમઓયુ કરવામાં આવ્યા હતા. વાયબ્રન્ટ સમિટની આજે પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળ સમાપન થયું હતું. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે વિશ્વ ભારત તરફ મીટ માંડીનું બેઠુ છે અને ભારતની નજર ગુજરાત પર મંડાયેલી છે. ગુજરાત હવે ગેટવે ટુ વર્લ્ડ બની ગયું છે. વાયબ્રન્ટ દરમિયાન અનેક મોટી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિએ વિશ્વ સમક્ષના ત્રણ પડકારો સામે આંગળી ચીંધતા જણાવ્યું હતું કે આજે વિશ્વ ત્રાસવાદની સમસ્યાથી પીડિત છે. તેનો સામનો વિશ્વના દેશોએ સાથે મળીને કરવો પડશે. ગુજરાતમાં ઉદ્યોગકારો અને મૂડી રોકાણકાર માટે રેડ ટેપ નહીં પરંતુ રેડ કાર્પેટ પાથરવામાં આવી છે તેનો  ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સમગ્ર દેશમાં બદલાવ આવી રહ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ પણ નવમી એડિશનનું સમાપન કરતા કહ્યું હતું કે સમિટે ૧૦ દિશામાં ગુજરાતીની ખ્યાતી વિસ્તારી છે. ગુજરાત હવે વિશ્વના રોકાણકારો માટે ગ્લબલ ઓફિસ બની ગયું છે. રૂપાણીએ વાયબ્રન્ટના સંબંધમાં તમામ માહિતી આપી હતી અને કહ્યું હતું કે ૧૩૫ દેશો સહિતના ૪૨ હજારથી વધુ લોકોની સહભાગીતા અને ૧૬ રાષ્ટ્ર તથા છ રાજ્યોના ખાસ સેમીનાર યોજાયા હતા. નોલેજ શેરીંગ અને મૂડીરોકાણ માટે ૨૭ હજાર પાર્ટનરશીપની રચના, ૨૮,૦૦૦ના એમઓયુ અને ૨૧ લાખથી વધુ રોજગારીની તકો આમાં ઉભી થઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ૨૦૦૩માં મોદીએ આની શરૂઆત કરી ત્યારે લાગતું હતું કે આવું કોઈ આયોજન ન હોય પરંતુ આજે તમામ લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. રૂપાણીએ વાયબ્રન્ટના સંબંધમાં તમામ આંકડાઓ વિસ્તારપૂર્વક રજુ કર્યા હતા. આ સમિટ દરમિયાન જુદા જુદા ૨૨ સેમિનાર અને છ સ્ટેટ સેમિનાર યોજાયા હતા. લાખો લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ૩૦-૪૦ ઈન્ટરનેશનલ ડેલિગેટ્સ જોડાયા હતા. ૨૪૫૮ બિઝનેસ ટુ બિઝનેસ મિટીંગ અને ૪૧૪૦ બિઝનેસ ટુ ગવર્મેન્ટ મિટીંગ યોજાઈ હતી. સમિટ દરમિયાન પ્રથમ વખત રિવર્સ બાયર્સ સેલર્સ મિટમાં ૧૫ હજાર કરોડના વેપાર થયા.

વાયબ્રન્ટની વિશેષતા

ગાંધીનગર, તા. ૨૦ : નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આજે પૂર્ણહુતિ થઈ હતી. આની વિશેષતા નીચે મુજબ છે.

વાયબ્રન્ટ એડિશન.......................................... ૯મી

વાયબ્રન્ટ સમિટ સ્થળ.... ગાંધીનગર, મહાત્મા મંદિર

દેશોની હાજરી........................................ ૧૩૫ દેશ

લોકોની સહભાગીતા.................... ૪૨ હજારથી વધુ

રાષ્ટ્રોના સેમિનાર............................................. ૧૬

ભારતીય રાજ્યોના સેમિનાર............................. ૦૬

પાર્ટનરશીપની રચના............................... ૨૭૦૦૦

એમઓયુ થયા......................................... ૨૮૩૬૦

બિઝનેસ ટુ બિઝનેસ મિટીંગ........................ ૨૪૫૮

બિઝનેસ ટુ ગવર્મેન્ટ મિટીંગ........................ ૧૧૪૦

કરોડના વેપાર......................................... ૧૫૦૦૦

જુદા જુદા સેમિનાર.......................................... ૨૨

સ્ટેટ સેમિનાર.................................................. ૦૬

ઈન્ટરનેશનલ ડેલિગેટ્સ ૩૦૪૦

(3:35 pm IST)