ગુજરાત
News of Wednesday, 18th July 2018

છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડીઃ બીજી તરફ રાજ્યના અમુક વિસ્તારોમાં ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કેટલાક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ જેવી હાલત છે તો કેટલા જિલ્લાઓમાં ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઇને બેઠા છે. ક્લાઇમેટ ચેન્જની આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો મુંઝવણમાં છે. કેમ કે, જુલાઇ મહિનો અડધો પુરો થયો પણ રાજ્યમાં હજુય માંડ 45 ટકા વિસ્તારમાં જ વાવેતર થઇ શક્યું છે.

વળી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક ખેડૂતોની વાવણી ભારે વરસાદને કારણે નિષ્ફળ જાય એવી સ્થિતિ છે. એક તરફ ભારે વરસાદને કારણે વાવણી નિષ્ફળ જાય એમ છે, તો બીજી તરફ વરસાદ ઓછો થવાને કારણે વાવણી ધીમી છે. છેલ્લા પાંચ દિવસ થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી કરી છે.

ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, 16 જુલાઇની સ્થિતિએ રાજ્યમાં માત્ર 45.20 ટકા વિસ્તારમાં વાવણી થઇ છે. રાજ્યમાં હાલ 38,71 .67 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે. ગયા વર્ષે આજ તારીખે (16 જુલાઇ) 60.62 લાખ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી હતી. આનો મતલબ એવો થાય છે કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે હજુ રાજ્યના સરેરાશ વાવણી લાયક વિસ્તારમાં માત્ર 45.20 ટકા વિસ્તારમાં જ વાવેતર થયુ છે. રાજ્યમાં કૂલ 85.56 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, અતિભારે વરસાદ વાળા અને ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં વાવેતર ધીમુ રહેશે. ખેડૂતોએ કપાસ, મગફળી, ઘાંસચારો, જુવાર, બાજરી, તુવેર, સોયાબીન અને શાકભાજીનું વાવેતર શરૂ કરી દીધુ છે. ખેડૂતો માટે જુલાઇ મહિનાનો વરસાદ ખુબ જ અગત્યનો બની રહેશે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વરસાદનાં આંકડાઓ મુજબ, ગુજરાતમાં હજુ સિઝનનો 41 ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદની આંકડાઓ મુજબ, રાજયના વિવિધ વિસ્તારોમાં- દક્ષિણ ગુજરાતમાં 57.27 ટકા, સૌરાષ્ટ્રમાં 46 ટકા, મધ્ય ગુજરાતમાં 30 ટકા, ઉત્તર ગુજરાતમાં 18.30 ટકા અને કચ્છમાં સિઝનનો માત્ર 1.85 ટકા વરસાદ પડ્યો છે.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં 32 જિલ્લાઓનાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર-સોમનાથ જિલ્લાના ગીર-ગઢડા તાલુકામાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં એક તરફ સુક્કા દુકાળની સ્થિતિ તો બીજી તરફ લીલા દુકાળની સ્થિતિ ઉભી થઇ છે.

(5:41 pm IST)