તારાપુર-બગોદરા હાઇવે પર ટ્રકમાંથી તાડપત્રી કાઢી શખ્સોએ 1.68 લાખ ભરેલ દાણાની ગુણોની ચોરી કરી
આણંદ: જિલ્લાના તારાપુર-બગોદરા હાઈવે માર્ગ ઉપર ચાલતી ટ્રકમાંથી તાડપત્રી કાપીને કેટલાક શખ્શો રૂ.૧.૬૮ લાખની પ્લાસ્ટીકના દાણા ભરેલી ગુણોની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાના બનાવે ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે તારાપુર પોલીસે અજાણ્યા શખ્શો વિરૃધ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ જિલ્લાના હાઈવે માર્ગો ઉપર છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સુમારે ટ્રકમાંથી કિંમતી સામાનની ચોરી થઈ હોવાના બનાવો વધવા પામ્યા છે. જામનગર જિલ્લાના સાપર ગામના રહીશ રજ્જાકભાઈ હાસમભાઈ નાઈ ગત તા.૯ એપ્રિલના રોજ સાંજના સુમારે પોતાની ટ્રક નં.-જીજે-૧૦ ટીવી-૬૨૩૭માં પ્લાસ્ટીકના દાણાઓની ગુણો ભરી જામનગરથી રાજકોટ જવા નીકળ્યા હતા. દરમ્યાન સવારના સુમારે તેઓ બગોદરાથી તારાપુર હાઈવે માર્ગ ઉપર આવેલ એક હોટલ ખાતે ચ્હા-નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા. દરમ્યાન તેઓના ટ્રકમાંથી તાડપત્રી કાપીને કોઈ અજાણ્યા શખ્શોએ પ્લાસ્ટીકના દાણાઓની ગુણોની ચોરી કરી હોવાનું માલુમ પડયું હતું. જેથી આ અંગે તેઓએ તપાસ કરતા અરણજ ફાટકથી એક બોલેરો ગાડી તેઓની ટ્રકનો પીછો કરી રહી હોવાનું સીસીટીવી કેમેરામાં માલુમ પડયું છે. એક પેટ્રોલપંપના સીસીટીવી કેમેરાના ફુટેજ પરથી આ બોલેરો કારમાંથી કેટલાક શખ્શોએ આશરે ૭ કિ.મી. સુધી ટ્રકનો પીછો કરી ચાલુ ટ્રકમાં ચઢી જઈ તાડપત્રી કાપી પ્લાસ્ટીકના દાણા ભરેલ આશરે ૨૪ નંગ ગુણોની ચોરી કરી હોવાનું માલુમ પડયું હતું.