ગુજરાત
News of Thursday, 26th April 2018

અમદાવાદ:કુખ્યાત બાબુ દાઢીના જુગારના અડ્ડા પર દરોડો પાડવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો

-અન્ય ટીમોની મદદ લઈને ફરી રેડ કરી પણ બાબુ ભાગી ગયો ;14 આરોપીનો ઝડપાયા

 

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીમાં ચાલતા જુગારના અડ્ડા પર રેડ કરવા ગયેલી ક્રાઇમ બ્રાંચ પર હુમલો થયો હતો કુખ્યાત ગુનેગાર લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢી અને તેમના મળતીયાઓએ ક્રાઇમ બ્રાંચની ટીમ પર હુમલો કર્યો હતો જોકે બાદમાં ક્રાઇમ બ્રાંચે અન્ય ટીમોની મદદ લઇ બાબુ દાઢીના અડ્ડા પર ફરી રેડ કરી હતી પરંતુ તે ભાગી ગયો હતો. ક્રાઇમ બ્રાંચે ૧૪ આરોપીઓ પાસેથી ૪૫ હજારનો મુદ્દામાલ પકડી પાડયો હતો. અંગે ક્રાઇમ બ્રાંચમાં જુગાર ધારા હેઠળ અને પોલીસની કામગીરીમાં દખલગીરીનો ગુનો નોધાયો હતો.

  અંગેની વિગત મુજબ સાબરમતી જવાહર ચોક ગુરુદ્વારા પાસે ન્યુ રેલવે કોલોનીના એક મકાન ખાતે છેલ્લા કેટલાય મહિનાઓથી જુગાર રમાતો હોવાની બાતમી આધારે રાત્રે  ક્રાઇમ બ્રાંચની ટીમોએ રેડ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ પર બાબુ દાઢી સેંઘાજી રાવત અને તેમના મળતીયાઓએ હુમલો કર્યો હતો. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમને ભાગવાનો વારો આવ્યો હતો. આખરે ક્રાઇમ બ્રાંચે વધુ ટીમો બોલાવી અને ફરી રેડ કરી હતી. જેમાં ૧૩ શખસો પકડાયા હતા. પોલીસે જુગારના ૨૭ હજાર અને કુલ મુદ્દામાલ મળી ૪૫ હજારનો મુદ્દામાલ પકડી પાડી ગુનો દાખલ કર્યો હતો.

    ક્રાઇમ બ્રાંચે ચંપાબહેન મનુભાઇ રાવત, ક્રિષ્નાબહેન લક્ષમણભાઇ રાવત અને બાબુ ઉર્ફે ગગુ સેંધાજી રાવત સામે પોલીસના કામમાં રુકાવટનો ગુનો નોધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાંચની ટીમો પર હવે જુગારીઓ પણ હુમલા કરવા લાગ્યા છે. ક્રાઇમ બ્રાંચે પણ સ્વબચાવ માટે વધુ પોલીસનો કાફલો બોલાવવાની ફરજ પડી હતી. શહેરમાં હત્યા, ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવા ગુના અટકતા નથી ત્યારે પોલીસ પર હુમલાના બનાવો પણ વધતા અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે.

(11:09 pm IST)