ગુજરાત
News of Sunday, 28th November 2021

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાંખી 15.25 લાખની લૂંટ

વેપારીની સલાબતપુરાની દુકાનના સોદા પેટે વેપારી પાસે 15 લાખ હોવાની લૂંટારુઓને ટીપ કોઇ જાણભેદુએ આપ્યા હોવાની પોલીસને આશંકા

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં વેપારી દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે આંખમાં મરચાંની ભૂકી નાંખી 15.25 લાખની લૂંટ કરતા ભાગદોડ મચી હતી. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સુરતમાં સિટિલાઈટ વિસ્તારમાં બે બદમાશે યશ અને તેના નાનાની આંખમાં મરચા ભૂકી નાખી ઝપાઝપી કરી હતી.જયારે ત્રીજા લૂંટારૂએ પાછળનો દરવાજો ખોલી બે બેગોમાં જેમાં એક બેગમાં 25 હજારની ધંધાના વકરાની રોકડ અને બીજી બેગમાં 15 લાખની રોકડ હતી જેની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે વેપારીએ ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ લૂંટને અંજામ આપનાર કોઇ જાણભેદુ છે. હાલમાં તો પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે.

વેપારી પાસે 15 લાખની રોકડ હતી જે દુકાન વેચાણની આવક હતી. વેપારીની સલાબતપુરાની દુકાનના સોદા પેટે 15 લાખ રૂપિયા આવ્યા હતા. વેપારી પાસે 15 લાખ હોવાની લૂંટારુઓને ટીપ કોઇ જાણભેદુએ આપ્યા હોવાની પોલીસને આશંકા છે.

(7:41 pm IST)