ગુજરાત
News of Sunday, 28th November 2021

અમદાવાદમાં નશાથી ભાન ભૂલેલી યુવતી જાહેરમાં એલફેલ બોલવા લાગતા કુતુહલ સર્જાયુ

કોઇએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્‍થળેથી યુવતીને પીજી.માં મુકી આવ્‍યા : જે.કે. યુવતી નશાખોર હાલતમાં હોવાછતાં તેની મેડીકલ ચકાસણી નહિ થયાની ચર્ચાતી વાતો

અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં એક સારા ઘરની સ્વરૂપવાન યુવતી લથડિયા ખાતી પોતાનું ભાન ભૂલેલી હાલતમાં જાહેર રસ્તા પર મનમાં આવે તેમ બોલતી અને બુમો પાડતી હતી. જો કે આ યુવતી સારા ઘરની લગતી હોવાથી આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. જોકે લોકોએ મહિલા નશામાં હોવાનું લાગી રહ્યું હતું પરંતુ કોઈ પોલીસના ઉચ્ચ અધિકારીની ભલામણ હોવાથી તેની તપાસ સુધા પણ કરાઈ ન હતી અને તેને પોતાના પીજીમાં મુકવા જવાની ફરજ પડી હતી. બીજી તરફ મહિલા સુરક્ષાની વાત લાવી પોલીસે વાહવાહી મેળવી હતી.

નવરંગપુર વિસ્તારમાં આવેલા નવરંગપુરા સર્કલ પાસે બપોરેના સમયે જીન્સ ટીશર્ટમાં પહેરીને ભણેલી-ગણેલી યુવતી નવરંગ સર્કલ આગળ અચાનક જ જોર જોરથી બોલવા લાગી હતી અને પોતાનું ભાન ભુલી ગઈ હતી. આ જોઈને સ્થાનિક લોકો એકત્રિત થઇ ગયા હતા પરંતુ તે કોઈના સાથે વાત કરતી ન હતી અને જેમ ફાવે તેમ બોલી રહી હતી. યુવતી સાથે વાત કરવાનો સ્થાનિક લોકોએ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો હતો. આ બાબતે અમદાવાદના સિનિયર આઇપીએસ અધિકારી અજય ચૌધરીને ભલામણ થઈ હતી. જેથી તેમને પોતાના તાંબાના એક આઇપીએસ અધિકારીને જાણ કરી હતી.

દરમિયાનમાં ડીસીપી ડો. રવિન્દ્ર પટેલે નવરંગપુરા પોલીસને જાણ કરી હતી. બાદમાં ભાન ભૂલી ગયેલી યુવતીના કોઈ પણ મેડિકલ ટેસ્ટ કર્યા વગર તેને તેના પીજીના સંચાલકને બોલાવીને સોંપી દેવામાં આવ્યા હતા. વડોદરામ રહેતા યુવતીના માતાપિતા સાથે વાત કરાવવાની ફરજ પણ પોલોસને પડી હતી.

સામાન્ય કેસમાં મહિલા કે પુરુષ ભાનમાં ન હોય લવારી કરતો હોય તો તેના મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે તેણે કોઈ પ્રકારનો નશો કર્યો છે કે કેમ તે ચકાસવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં આઇપીએસ અધિકારીની ભલામણ હોવાથી આ બધી ચકાસણી ન થઈ અને મામલો મહિલા સુરક્ષા અને નિર્ભયા પ્રોજેકટની વાત લાવી ટાળી દેવામાં આવ્યો હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે. હવે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં કે ચકાસણી કરાશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.

(12:18 pm IST)