અમદાવાદમાં મનપસંદ નંબરનું સીમકાર્ડ નહીં આપતા મિત્રો સાથે મળી યુવકને ઢોર માર માર્યો
સીમકાર્ડ કંપનીમાં પ્રમોટર તરીકે નોકરી કરતા યુવકને મનપસંદ નંબરના સિમકાર્ડ આપવાના નામે રૂપિયા 17 હજાર લેવા ભારે પડ્યા

અમદાવાદમાં મનપસંદ નંબરનું સીમકાર્ડ આપવાના નામે એક યુવકને ઢોર માર માર્યો હતો , આ યુવકને તેના મિત્રએ મનપસંદ નંબરના સીમકાર્ડ માટે નાણા આપતા હતા. સીમકાર્ડ કંપનીમાં પ્રમોટર તરીકે નોકરી કરતા યુવકને મનપસંદ નંબરના સિમકાર્ડ આપવાના નામે રૂપિયા 17 હજાર લેવા ભારે પડ્યા છે. રૂપિયા લઇ લીધા બાદ સીમકાર્ડ આવ્યું ન હતું એ પહેલા સીમકાર્ડની માંગણી કરી એક શખ્સે તેના મિત્રો સાથે મળી ફરિયાદીને અલગ અલગ જગ્યા એ લઈ જઈ માર માર્યો હતો. જેથી ભોગ બનનારા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પોલીસે બે લોકોને ઝડપી પાડ્યા છે.
બાપુનગર વિસ્તારમાં રહેતો રિષભ પટેલ એક મહિના પહેલા સોનીની ચાલી પાસે આવેલ એક સીમકાર્ડ કંપનીમાં પ્રમોટર તરીકે નોકરી કરતો હતો. તેની સાથે અભ્યાસ કરતા મહિમ પંડ્યા નામના મિત્રને સીમકાર્ડ ખરીદવા હોવાથી રિષભ પટેલને મનપસંદ નંબર મેળવવા માટે રૂપિયા 17 હજાર આપ્યા હતા. રિષભ પટેલે પણ તેને બે દિવસમાં સીમકાર્ડ આપવાનો વાયદો કર્યો હતો.
જો કે 25 મી તારીખે રિષભ પટેલના મિત્રનો ફોન આવ્યો હતો અને લોનનું કામકાજ હોવાથી નિકોલ ખોડીયાર જ્યોત સોસાયટી ખાતે બોલાવ્યો હતો. જેથી તે રિક્ષામાં બેસીને ત્યાં ગયો હતો. જ્યાં મહીમ પંડ્યા અને બીજા ત્રણ લોકો બે એક્ટિવા પર આવ્યા હતા અને રિષભ પટેલ પાસે સીમકાર્ડની માંગ કરી હતી. પરંતુ રિષભ પટેલે તેની પાસે સીમકાર્ડ ન હોવાનું કહ્યું હતું.
રિષભ પટેલે સિમકાર્ડ ન આપતા મહીમ પંડ્યાએ તેની પાસે 17 હજાર રૂપિયા પરત માંગ્યા હતા. રિષભ પટેલે તેની પાસે રૂપિયા ન હોવાનું કહેતાતેને એક્ટિવા પર બેસાડી સરદાર ચોક લઈ ગયા હતા. જ્યાં તેને માર મારીને બાદમાં આંબાવાડી પોલીટેકનિક કોલેજ લઈ ગયા હતા.
કોલેજના પાર્કિંગમાં આરોપીઓએ રિષભ પટેલને માર મારીને ધમકી આપી હતી કે તું મને ઓળખતો નથી જો અમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશું. એમ કહીને આરોપીઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં. જ્યારે ફરિયાદી રિક્ષા માં તેના ઘરે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે બે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
હાલ તો પોલીસે સમગ્ર ઘટનામાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તો અન્ય બે લોકોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. સાથે જ પોલીસે પણ તપાસ કરી રહી છે કે પકડાયેલ શખ્સોએ અન્ય કોઈ સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે કે કેમ.