ગુજરાત
News of Saturday, 28th November 2020

ગાંધીનગર નજીક સરઢવની સીમમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 36 બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે પેથાપુર પોલીસે બાતમીના આધારે સરઢવ ગામની સીમના વાડામાં દરોડો પાડીને વિદેશી દારૂની ૩૬ બોટલ કબ્જે કરી લીધી હતી અને બે શખ્સો મળી કાર સહિત ર.૧૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે દારૂ આપનાર પેથાપુરના શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 

જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવા પોલીસ દોડી રહી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સરઢવ ગામના ઠાકોરવાસમાં સુથારની ખડકીમાં રહેતા નરેશકુમાર ઉર્ફે પીન્ટુ ગોપાલભાઈ પટેલે તેમના મકાન પાસે આવેલા વાડામાં દારૂનો જથ્થો સંતાડયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં એક વાદળી રંગના ટેમ્પો નીચે વિદેશી દારૂની ૩૬ બોટલ મળી આવી હતી અને વાડાની બાજુમાંથી નરેશ ઉર્ફે પીન્ટુને ઝડપી લેવામાં આવ્યો હતો. જે દારૂ બે દિવસ અગાઉ પેથાપુર ખાતેથી ગોકુલસિંહ નામના ઈસમ પાસેથી તેનો મિત્ર વિશાલ દીલીપભાઈ દીક્ષીત રહે સરઢવની કાર નં.જીજે-૦ર-બીએચ-૮૭૧૧માં લાવ્યો હતો. જેથી પોલીસે કાર સાથે વિશાલ દીક્ષીતને પણ ઝડપી પાડયો હતો. દારૂ અને કાર મળી કુલ ર.૧૪ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ત્યારે દારૂ આપનાર પેથાપુરના ગોકુલસિંહની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

(5:17 pm IST)