ગુજરાત
News of Saturday, 28th November 2020

હીરાની એક ઘંટી ઉપર ર રત્નકલાકારોએ જ બેસવુ-કેન્ટીન બંધ રાખવી સહિતના નિયમોનું પાલન કરાવવા આદેશ : સુરતમાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

સુરત : આજ રોજ વેડ રોડ ખાતે ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલના નિવાસ સ્થાને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી હતી. જેમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયા, લાલજીભાઇ પટેલ, રામકૃષ્ણ એક્ષ્પોર્ટના ગોવિંદભાઇ ધોળકીયા, જે.બી. બ્રધર્સના જીતુભાઇ શાહ, નીતિન અદાણી, દિલીપભાઇ, નાગજી સાકરીયા, શિતલ ડાયમંડના વલ્લભભાઇ તથા સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા અને મંત્રી દામજી માવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

ધંધા–રોજગારને ચાલુ રાખી કોવિડ– ૧૯ની વિકટ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ હીરા ઉદ્યોગના આગેવાનોને કોવિડ– ૧૯ની ગાઇડ લાઇન તથા એસઓપીનું ચુસ્તપણે પાલન કરાવવાનું જણાવી નીચે મુજબના સૂચનો રજૂ કર્યા હતા.

– હીરાની એક ઘંટી ઉપર બે રત્નકલાકારોએ જ કામ કરવું.
– કેન્ટીન બંધ રાખવામાં આવે.
– માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ફરજિયાતપણે પાલન કરાવવું.
– ટિફીન લાવતા રત્નકલાકારોને દિવસમાં ત્રણ સ્લોટમાં ૩૦–૩૦ મિનિટ માટે જમવા માટે છોડવા.
– એરકન્ડીશન ઓફિસમાં વેન્ટીલેશનની વ્યવસ્થા કરવી તેમજ બારી–બારણાં ખુલ્લા રાખવા.
– રત્નકલાકારો તેમજ ઓફિસ કર્મચારીઓનું કોવિડ– ૧૯નું ટેસ્ટીંગ કરાવવું.

પોલીસ કમિશનર અજય તોમરે નીચે મુજબના સૂચનો રજૂ કર્યા હતા.

– રત્નકલાકારો તેમજ કર્મચારીઓ માટે ફેકટરીમાં પીવા માટે ગરમ પાણીની વ્યવસ્થા કરવી.
– ફેટકરીમાં જુદી–જુદી જગ્યાએ ઇન્હેલરની વ્યવસ્થા કરવી.
– ટોળું ન થાય તે માટે કર્મચારીઓને એકસાથે રજા આપવી નહીં.
– કોવિડ– ૧૯ ની જનજાગૃતિ માટે ડાયરાના સ્વરૂપે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવું.
– સ્થાનિક વિસ્તારમાં કોવિડ– ૧૯ ની ગાઇડ લાઇનનું પાલન કરવા તેમજ સાવચેતી રાખવા માટે ઓડીયો સાથેની રીક્ષાઓ ફેરવવી.

(5:07 pm IST)