ગુજરાત
News of Wednesday, 28th October 2020

નીરવ રાયચુરાના ફોનમાંથી 25 બોગસ કોલ સેન્ટરના ડેટા અને ક્રિપ્ટો કરન્સી મળ્યા:IT અને ED એ તપાસમાં ઝુકાવ્યું

તપાસમાં મોટા ખુલાસા થાય તો મનીલોન્ડરીંગ એક્ટ અને ફેમા એક્ટ હેઠળ ગુનો નોંધાશે

અમદાવાદમાં કોલ સેન્ટર કીંગ નીરવ રાયચુરાના તમામ ફોન પોલીસે જપ્ત કર્યા છે, ફોનની તલાસી લેતા તેમાથી ઘણા કોલ સેન્ટરના ડેટા ક્રિપ્ટો કરન્સી પણ મળી છે. જેથી પોલીસ તપાસ સાથે અન્ય બે એજન્સી પણ જોડાઈ છે. જો કે, નિરવ પર ચાલી રહેલા ત્રણ કેસમાં હાલ તેને જામીન આપી દેવામાં આવ્યા છે.

આનંદનગરમાં રમાડા હોટલની સામે સફલ પ્રોફીટેરમાં આવેલી કોલ સેન્ટર કિંગ નિરવ રાયચુરાની ઓફીસમાં પોલીસે દરોડો પાડ્યો હતો. તે દરોડામાં પોલીસને દારુની મહેફિલ માણતાં નિરવ, ભાવનગરના કુખ્યાત સંતોષ સોઢા ચોસલા અને રાહુલ ધરમશી પુરબીયાની ધરપકડ કરી હતી. આ આરોપી હાલ કોલ સેન્ટર કીંગ તરીકે જાણીતો છે. પોલીસે તેનાં ફોનમાં તપાસ કરતા ફોનમાંથી 25 જેટલી બોગસ કોલ સેન્ટરનાં ડેટાની શીટ મળી આવી હતી તેમજ ક્રિપ્ટો કરન્સી પણ મળી આવતા સાયબર ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં લાગી ગઈ છે સાથે જ બેનામી મિલકત અને બેનામી પૈસાના વ્યવહાર ને લઈ ને IT અને ED વિભાગે પણ તપાસ કરવાની શરૂ કરી છે.

નીરવ રાયચુરાનાં મોબાઇલને વધુ માહિતીઓ મેળવવા માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. નીરવ રાયચુરા ટેક્નીકલ રીતે અમેરિકન નાગરીકોનો ડેટા ચોરીને વેંચતો હતો તેમજ સંતોષ સોંડા સાથે ભાગીદારીમાં જમીનમાં રોકાણ કરતો હોવાનું ખુલ્યુ છે. આઈટી અને ઇડીની તપાસમાં મોટા ખુલાસા થાય તો મનીલોન્ડરીંગ એક્ટ અને ફેમા એક્ટ હેઠળ નીરવ રાયચુરા સામે ગુનો નોંધવામાં આવશે.

નીરવ રાયચુરાની તપાસમાં સામે આવ્યુ કે ગોવામાં તેનું એક કેશીનો પણ છે ત્યારે તે કેશીનોમાં તેનાં ભાગીદાર કોણ કોણ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. નીરવનાં ફોનમાં 10 હજાર ડોલરનું ક્રિપ્ટો કરન્સીમાં નાણાંકીય વ્યવહાર પણ મળી આવ્યુ છે. તે દિશામાં ઇડીએ તપાસ હાથ ધરી છે.

આનંદનગર પોલીસે આ કેસમાં વધુ તપાસ કરતા સાણંદનાં ચીરાગ જયસ્વાલ નામના શખ્સને પણ ઝડપીને કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે. ચીરાગ અને પરાગ નામનાં બે શખ્સો નીરલ રાયચુરાને મોંઘો દારૂ સપ્લાય કરતા હોવાનુ સામે આવ્યુ છે. આનંદનગર પોલીસે હાલ તો નીરવ રાયચુરા તેમજ સંતોષ સોડાને ગ્રામ્ય પોલીસને હવાલે કર્યા છે, ત્યારે આ મામલામાં આગામી દિવસોમાં વધુ મહત્વનાં ખુલાસા તેમજ બેનામી વ્યવહારો મળી આવાની શક્યતાઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નિરવ રાયચુરા પર ચાલી રહેલા ક્રિપ્ટો કરન્સી કેસ,દારુનો કેસ અને તેના ઓફિસમાંથી ગેરકાયદેસર છરી અને ચપ્પા જેવા હથિયારો મળી આવ્યા હતા જેના કેસમાં હાલ તેને જામીન આપવામાં આવી છે.

(11:20 pm IST)