ગુજરાત
News of Wednesday, 28th October 2020

કોરોના રસી ડિસેમ્બર સુધીમાં લાવી શકાય : ટ્રાયલના આશાસ્પદ પરિણામો પરંતુ યુકેથી મળતા ડેટા અને ડીજીસીઆઈની મંજૂરી પણ નિર્ભર : પુનાવાલા

 

પરંતુ નવી દિલ્હીઃ કોરોના રસી ડિસેમ્બરમાં પણ લાવી શકાય છે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે ટ્રાયલ્સ દરમ્યાન આશાસ્પદ પરિણામો આપનારી કોરોના રસી કોવિશીલ્ડ ડિસેમ્બર 2020 સુધીમાં લાવી શકાય છે, પરંતુ તેની સાથે તેમણે બે શરતો પણ મૂકી છે, આ માટેનો બધો આધાર યુકેથી મળતી ડેટા અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઇ) પાસેથી મળતી મજૂરીઓ પર છે.આનો અર્થ એમ થાય કે ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી વિકસાવી રહેલી કંપની જો યુકેના ટ્રાયલ્સ આશાસ્પદ જણાય તો તાકીદની મંજૂરી માટે અરજી કરવાનો ઇરાદો ધરાવે છે.

ભારત સરકારે ભૂતકાળમાં પણ નિર્દેશ કર્યો છે કે જો જરૂર પડી તો તે રસીને તાકીદની મંજૂરી આપવા માટે પણ તૈયાર છે. હાલમાં યુકે ખાતે ઓક્સફર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાઝેનેકાની કોરોના વાઇરસ રસીના ત્રીજા તબક્કાનો ટ્રાયલ ચાલી રહ્યો છે.

 યુકેમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની જેનર ઇન્સ્ટિટ્યુટ અને એંગ્લો સ્વીડિશ દવા ઉત્પાદક એસ્ટ્રાઝેનેકાનું લાઇસન્સ ધરાવતી કંપની ભારતમાં 1,600થી વધુ લોકો પર તેનું પરીક્ષણ કરી રહી છે. સીરમે નવી કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ લાઇફ સાયન્સીસ તરતી મૂકી છે, જે ફક્ત રોગચાળા માટે રસી વિકસાવવા, બનાવવા અને પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

 પૂનાવાલાએ બ્રિટિશ દવા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા કરવામાં આવેલી જાહેરાતને હકારાત્મક ગણાવી હતી. તેની જાહેરાત મુજબ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી પ્રયોગાત્મક કોવિડ-19 રસીએ યુવા અને વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં સારો પ્રતિસાદ આપ્યો છે. આટલી વહેલી રસી વિકસાવવા અંગે ઘણા લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે તે યુવાનો અને વૃદ્ધો બંનેમાં તેટલી અસરકારક નીવડશે, એમ પૂનાવાલાએ ટવિટર પર જણાવ્યું હતું.

(11:13 pm IST)