ગુજરાત
News of Wednesday, 28th October 2020

દિવાળીના તહેવારમાં ફરી એક વખત વાદળછાયુ વાતાવરણ છવાશેઃ 19થી 20 નવેમ્‍બરના ઠંડીના ચમકારા વધશેઃ હવામાન ખાતાની આગાહી

અમદાવાદ: રાજ્યમાં એક વાર ફરીથી હવામાન વિભાગની આગાહી અનુસાર દિવાળીની સીઝનમાં એક વાર ફરીથી વાદળછાયું વાતાવરણ સર્જાશે. નવેમ્બર માસ દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું જવાની શકયતા રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ થવાની શક્યતા રહેશે. જ્યારે સૌરાષ્ટ્રનાં જૂનાગઢ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેશે તેવી શક્યતા છે એટલે કે વિસ્તારોમાં દિવાળીની આસપાસ વાદળો છવાયેલા રહેશે.

ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ન્યુનતમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું જવાની સંભાવના રહેશે. ઠંડીનો દોર ફેબ્રુઆરી-માર્ચ સુધી પણ રહેશે. જ્યારે ફેબ્રુઆરી-માર્ચમાં કપાસ જેવાં પાકો ઉપર ઠંડીની વિપરિત અસર થશે. જો કે ઘઉં જેવા પાકો સારા થશે અને જીરું, મસાલાના પાકો પણ ખૂબ સારા થશે તેવી શક્યતા છે.

અત્રે નોંધનીય છે કે, હાલમાં રાજ્યનાં ઘણા ભાગોમાં ઓક્ટોબર મહીનામાં પણ વરસાદ થવામાં હતો. પરંતુ ગત દિવસોમાં ગરમીનું પ્રમાણ પણ ઘણું રહ્યું હતું. જ્યારે હવે ધીરેધીરે દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશો ઠંડા થતા જશે અને ઉત્તરની હવા દક્ષિણ તરફ ધકેલાશે. વળી બીજી બાજુ ચીની સમુદ્ર અને પેસિફિક મહાસાગરમાં પણ વાવાઝોડું સર્જાય તો બંગાળના ઉપસાગરમાં પણ તેની અસર જોવા મળશે.

તમને જણાવી દઇએ કે હવે દક્ષિણ ભારતમાં ઈશાન ચોમાસાની શરૂઆત થશે. ઓક્ટોબરની તારીખ 28-29માં દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં ઠંડીની સાથે-સાથે પશ્ચિમી ભાગો જેવાં કે જમ્મુ-કાશ્મીર વગેરે ભાગોમાં પણ પશ્ચિમ વિક્ષેપની અસરો જણાશે.

ઓક્ટોબરની તારીખ 30થી 7 નવેમ્બર સુધીમાં વાદળછાયુ વાતાવરણ સર્જાવાની શક્યતા છે. જ્યારે નવેમ્બરની 7 તારીખથી સવારના ભાગોમાં ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થઇ જશે. એટલે કે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થશે. એવામાં દિવાળીની આસપાસ પણ વાદળો જણાશે. તા. 19થી 20માં ઠંડીનો ચમકારો વધશે અને ઠંડીની શરૂઆત પણ થઇ જશે.

(4:45 pm IST)