ગુજરાત
News of Wednesday, 28th October 2020

અમદાવાદમાં ગરોળીની જેમ દિવાલ ઉપર ચડીને ચોરી કરતી ‘ચીપકલી ગેંગ' ઝડપાઇઃ પાંચ દુકાનની ચોરીનો ભેદ ખુલ્‍યોઃ 3ની ધરપકડ

અમદાવાદ: શહેરની કાલુપુર પોલીસે એવી ગેંગ પકડી જે ગેંગનું નામ છે ચીપકલી ગેંગ. બિલકુલ ગરોળીની જેમ ગેંગના સભ્યો દીવાલ પર ચઢીને ચોરી કરવા માટે અંદર ઘૂસતા હતા. આંતરરાજ્ય ગેંગના ત્રણ લોકોને પકડી કાલુપુરમાં એક સાથે થયેલી પાંચ દુકાનની ચોરીનો ભેદ ઉકેલાયો છે. નૂર મહોમદ શેખ, સલમાન ખાન શેખ અને મુશરફ ઉર્ફે હાડો શેખ નામના આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. તમામ લોકો ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે. આરોપીઓએ તાજેતરમાં કાલુપુર વિસ્તારમાં પાંચેક દુકાનોમાં પાંચેક લાખની ચોરી કરી હતી. ચોરીનો મુદ્દામાલ લઈને ભાગે તે પહેલા આરોપીઓની કાલુપુર પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો.

આરોપીઓ જેલમાંથી બહાર આવી અન્ય રાજ્યોમાંથી શહેરમાં બસ મારફતે આવતા અને બાદમાં જે તે જગ્યાની રેકી કરતા હતા. ક્યાંથી તેઓ ચઢી શકે અને જે તે મકાન કે દુકાનમાં ઘુસી શકે તેનો પ્લાન બનાવતા. આટલું નહીં પ્લાન મુજબ ચોરી કરવા જતા પહેલા અનેક દિવસો સુધી બિનવારસી જગ્યાએ અવાવરું જગ્યાએ રોકાતા. બાદમાં ચોરી કરવા જાય ત્યારે ચીપકલી એટલે કે ગરોળીની માફક ચોરી કરવા જતા હતા.

આરોપી નૂર મહોમદ શેખ સામે 21 ગુના, સલમાન ખાન શેખ સે 10 અને મુશરફ ઉર્ફે હાડો શેખ સામે બે ગુના નોંધાયેલા છે. અન્ય રાજ્યોની પોલીસ પણ આરોપીઓ શોધી રહી હતી તેવામાં કાલુપુર પોલીસે ઝડપી પાડતા અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, ગેંગને ઝડપવી પોલીસ માટે પણ એક પડકારજનક બાબત હતી. ગેંગને ટ્રેક કરવી ખુબ   મુશ્કેલ હતી કારણ કે તેઓ મોબાઇલ જેવી કોઇ પણ વસ્તું વાપરતા નહોતા જેથી ઓળખાઇ આવે.

(4:40 pm IST)