ગુજરાત
News of Wednesday, 28th October 2020

વરમોરા ગ્રેનીટો દ્વારા અત્યાધુનિક બે પ્લાન્ટસમાં ૩૦૦ કરોડનું રોકાણ કરશે

૧૨૦૦ નોકરીઓનું પણ સર્જન કરશેઃ રમણભાઇ વરમોરા

(કેતનખત્રી) અમદાવાદઃ ભારતની અગ્રણી ટાઈલ્સ અને બાથવેર બ્રાન્ડમાં સ્થાન ધરાવતી વરમોરા ગ્રેનિટો પ્રાઈવેટ લિમિટેડ  મોરબીમાં બે અત્યાધુનિક હાઈટેક પ્લાન્ટ્સ ઊભા કરવા જઈ રહી છે. કંપની લાર્જ ફોર્મેટ જીવીટી ટાઈલ્સ માટે દૈનિક ૩૫,૦૦૦ ચોરસ મીટરમાં પથરાયેલા ઉત્પાદન એકમમાં લગભગ રૂ. ૩૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીના મતે આ પ્લાન્ટ્સ એપ્રિલ, ૨૦૨૧ સુધીમાં સંપૂર્ણપણે કોમર્શિયલી શરૂ થઈ જશે અને તેનાથી પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ૧,૨૦૦ રોજગારીની તકો ઊભી થશે. નવીનતા, ડિઝાઈન અને ટેકનોલોજીના ૨૫ વર્ષની ઊજવણી કરતાં કંપનીએ આગામી બે-ત્રણ વર્ષમાં રૂ. ૧,૬૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક રાખ્યો છે.નવા પ્લાન્ટ્સની વર્ચ્યુઅલ શિલારોપણ વિધિ  મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે  ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ સમારંભમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાતના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ (આઈએએસ) પણ ઉપસ્થિત રહ્યા હતા.

 આ પ્રસંગે વરમોરા ગ્રુપના ચેરમેન શ્રી ભાવેશ વરમોરાએ જણાવ્યું હતું કે   કંપની પોતાના મૂલ્યવાન ગ્રાહકો સાથે તાલમેલ જાળવી રાખવા માટે બજારમાં સતત નવીન અને મૂલ્યવર્ધિત પ્રોડકટ્સ રજૂ કરીને ભારતીય સિરામિક ઉદ્યોગમાં અગ્રણી તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવવા માંગે છે. 

વરમોરા ગ્રુપના સ્થાપક શ્રી રમણભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓ, ડીલર-ડિસ્ટ્રીબ્યૂટર મિત્રો, બેન્કર, બિઝનેસ પાર્ટનર્સને તેમણે છેલ્લા ૨૫ વર્ષોથી કંપનીની સફળ રહેલી સફર દરમિયાન આપેલા અવિરત સમર્થન બદલ આભાર માનીએ છીએ. વર્ષ ૧૯૯૪માં મોરબીમાં એક નાનકડા એકમથી અમારી સફર શરૂ થઈ હતી અને આજે વરમોરા અગ્રણી ટાઈલ્સ અને બાથવેર બ્રાન્ડ બની ચૂકી છે.

(3:12 pm IST)