ગુજરાત
News of Wednesday, 28th October 2020

મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ એક જ સ્ટેજ પરથી જાહેરસભા સંબોધશે

બંને લીંબડી બાદ મોરબીની બેઠક પર સંયુક્ત જાહેરસભાને સંબોધન કરશે

અમદાવાદ: ગૂજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી આગામી 3જી નવેમ્બરે યોજાનારી છે. આ પેટાચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે કાલે તા, 28મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બંને લીંબડી બાદ મોરબીની બેઠક પર સંયુક્ત જાહેરસભાને સંબોધન કરશે

 ગુજરાત ભાજપ પ્રદેશના મીડિયા સેલ તરફથી ભાજપના આગેવાનોના ચૂંટણી પ્રવાસની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટા ચૂંટણી અન્વયે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના સ્ટાર પ્રચારકો અને પ્રદેશ ભાજપના અગ્રણીઓ આઠે – આઠ વિધાનસભા બેઠકો પર વાયુવેગે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. જેના સંદર્ભમાં 28 ઓક્ટોબરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો લીંબડી અને મોરબી વિધાનસભા ક્ષેત્રનો અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ  રૂપાલાનો અબડાસા વિધાનસભા ક્ષેત્રનો ચુંટણી પ્રવાસ યોજાશે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ 28 ઓક્ટોબરના રોજ પટેલના જીન, લીંબડી ખાતે સવારે 11.30 કલાકે જાહેર સભા સંબોધશે અને ત્યારબાદ 12.30 કલાકે સામાજિક અગ્રણીઓ અને વેપારી આગેવાનો સાથે તથા 2.30 કલાકે લીંબડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના સંગઠનના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

28 ઓકટોબરે જ બીજા તબક્કામાં મુખ્યમંત્રી રૂપાણી તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાંજે 5 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મોરબી ખાતે જાહેરસભાને સંબોધશે અને ત્યારબાદ સાંજે 6.15 કલાકે સ્કાય મોલ, શનાળા રોડ ખાતે સામાજિક અગ્રણીઓ તથા સમાજના શ્રેષ્ઠીઓ અને બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

28 ઓકટોબરના રોજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ  રૂપાલા અબડાસા વિધાનસભા ખાતે સવારે 10 કલાકે રોહા પાટીયા, તા. નખત્રાણા ખાતે કિસાનો સાથેની જૂથ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને બપોરે 12 કલાકે કનકપર, તા. અબડાસા ખાતે જાહેરસભાને સંબોધશે. આ ઉપરાંત તેઓ બપોરે 4 કલાકે લોહાણા મહાજન વાડી, નખત્રાણા ખાતે લોહાણા મહાજન સમાજના અગ્રણીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે 6.30 કલાકે રામાણી ગ્રાઉન્ડ, નખત્રાણા ખાતે જાહેર સભા સંબોધશે.

(11:50 pm IST)