વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં કંપનીની દીવાલની આડમાં દારૂનું વેચાણ કરનાર નામચીન બુટલેગરને પોલીસે 18 બોટલો સાથે ઝડપી પાડયો
વડોદરા:શહેરના નવાયાર્ડ વિસ્તારમાં લોથમ કંપનીની દિવાલની આડમાં દારૂનું કટિંગ અને વેચાણ કરતા નામચીન બુટલેગરને ફતેગંજ પોલીસે 18 બોટલો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફતેગંજ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે નવાયાર્ડ ફૂલવાડી વિસ્તારમાં લોથમ કંપની દીવાલની આડમાં સાહિલ બાબુભાઈ રાજ ( રહે - મોમીન પાર્ક, ફૂલવાડી, નવાયાર્ડ, વડોદરા) વિદેશી દારૂનું કટિંગ તથા વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી સાહિલને રૂપિયા 9360ની કિંમત ધરાવતી વિદેશી દારૂની 18 બોટલ સાથે ઝડપી પાડયો હતો. આ દારૂનો જથ્થો તેને કોઈની પાસેથી વેચાણ અર્થે મેળવ્યા તે દિશામાં વધુ તપાસ અર્થે પોલીસે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે નોંધનીય છે કે, ભાજપના કાર્યકર પર હુમલો કરવાના બનાવમાં પોલીસે અગાઉ તેને તડીપાર કર્યોહોવાની વિગતો પણ સપાટી પર આવી છે.