ગુજરાત
News of Tuesday, 28th September 2021

છોટા ઉદેપુર જીલ્લાના 108 એમ્‍બ્‍યુલન્‍સના પાયલોટનું સેવા આપતા-આપતા કોરોનાથી મૃત્‍યુ થતા PMGKP યોજના અંતર્ગત પરિવારજનોને 50 લાખની સહાય અર્પણ

આટલી મહામુલી રકમની સહાય મળશે તેવુ અનુમાન પણ ન હતુઃ પરિવારજનોનો મત

અમદાવાદ: છોટાઉદેપુર જીલ્લામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પર 13 વર્ષથી પાઇલોટ તરીકે ફરજ બજાવતા સ્વ રમણભાઈ બારીયા જેઓએ તેમની કારકિર્દીમાં અનેક લોકોના જીવન બચાવ્યા હતા, અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોને સેવા આપતા આપતા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા પરંતુ સારવાર દરમ્યાન ગોત્રી હોસ્પિટલમાં તા 12/05/2021 ના રોજ જીવ ગુમાવ્યો હતો.

તેમને કોરોના મહામારીના કપરા સમયમાં લોકસેવા માટે આપેલું આ બલિદાન ક્યારેય ભૂલાય તેમ નથી. જીલ્લા કલેકટર અને  GVK EMRI 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સંસ્થાના અથાગ પ્રયત્ન થકી PMGKP યોજના હેઠળ રૂપિયા પચાસ લાખ (50,00,000) ની સહાય તેમના પરિવારના બેન્ક ખાતામાં જમા કરતા પરિવારજનોએ જીલ્લા કલેકટર તથા GVK EMRI 108 ઇમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્વ. રમણભાઈ બારીયા કોરોના મહામારી દરમિયાન સંક્રમણ થતા મૃત્યુ પામેલ હોઈ સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જાહેર કરવામાં આવેલ ઇન્શ્યોરેન્સ કવરનો લાભ તેઓના પરિવારજનોને મળી શકે તે માટે GVK EMRI સંસ્થા દ્વારા યોજના હેઠળ સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી હાથ ધરેલ હતી અને સરકારના નિયત કરેલ નીતિનિયમોનુસાર જરૂરી દસ્તાવેજો સાહિતની અરજી સંલગ્ન કચેરી ખાતે મોકલી આપેલ હતી. સરકારના અધિક નિયામકની કચેરી, તબીબી સેવાઓ, આરોગ્ય વિભાગ તથા કલેક્ટરની કચેરી સાથે જરૂરી સંકલન સાધી નિયત કાર્યવાહી પૂર્ણ કરી પરિવારજનોને સમયસર સહાય મળે તે મુજબની સફળ કામગીરી કરેલ હતી.

પરિવારના જણાવ્યા મુજબ તેઓને આટલી મહામૂલી રકમની સહાય મળશે તેવો અનુમાન પણ ન હતો. GVK EMRI 108 ઇમરજન્સી સેવા સંસ્થા દ્વારા PMGKP યોજનાની સહાય અપાવવા જરૂરી કાર્યવાહી કરી કપરા સમયમાં પુરતો સહકાર આપેલ છે. પરિવારના સભ્યો તેઓના પિતા GVK EMRI સાથે જોડાઈ 108 ઇમરજન્સી સેવામાં આવી ઉમદા અને શ્રેષ્ઠ કામગીરીની ફરજ બજાવતા હતા તે માટે ગર્વ અનુભવે છે.

(4:35 pm IST)