ગુજરાત
News of Tuesday, 28th September 2021

સોખડા સ્વામીનારાયણ સંપ્રદાયના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીની નિમણુંક

અમુક ભકતોએ લાગણીવશ પ્રબોધ સ્વામીને લઇને વિવાદ કર્યો હતો, તેઓને ગાદીપતિ થવાનો કયારેય વિચાર પણ આવ્યો નથીઃ પૂ. ત્યાગ સ્વામી

અમદાવાદઃ વડોદરા  નજીકનાં સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિને લઇ છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલ વિવાદનો આજે અંત આવ્યો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીની નિમણૂંક કરવામાં આવી છે.

 ગાદીના વિવાદને લઇ થોડા સમય પહેલા જ પ્રેમસ્વરૂપદાસ સ્વામી, પ્રબોધ સ્વામી તથા ત્યાગવલ્લભ સ્વામી સામે આવ્યા હતા તેમજ પ્રેમ સ્વરૂપ તથા પ્રબોધ સ્વામીએ કહ્યું હતું કે, ગાદીપતિને લઇ કોઈ વિવાદ છે જ નહીં. અમે તમામ એકજૂથ થઈને કામ કરી રહ્યા છીએ.

 સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત ત્યાગવલ્લભ સ્વામી જણાવે છે કે, અમારે ત્યાં કોઇ વિવાદ નથી. થોડા ભકતોએ લાગણીવશ પ્રબોધ સ્વામીને લઇને વિવાદ કર્યો હતો. પ્રબોધ સ્વામીને સ્વપ્નમાં પણ ક્યારેય ગાદીપતિ થવાનો વિચાર આવ્યો નથી. હરિધામ પરિવાર સ્વામીજીના જીવનમંત્રને લઇ સેવાકીય કાર્યો કરે છે. પ્રેમસ્વરૂપદાસ સ્વામીના નેતૃત્વમાં અમે સેવારત છીએ. તેમનો સ્વીકાર અમને ખુબ સહજ છે તેમજ તેમની આજ્ઞામાં રહેવુ એ અમારી ભકિત છે.

પ્રેમસ્વરૂપદાસ સ્વામી વર્ષ ૧૯૬૦થી યોગીજી મહારાજ સાથે જોડાયા હતા. વર્ષ ૧૯૬૨માં તેઓ વિદ્યાનગર કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવ્યા હતા. ૧૦ ઓકટોબર વર્ષ ૧૯૬૫માં દશેરાના દિવસે હરીપ્રસાદ સ્વામીની સાથે ગોંડલ અક્ષર મંદિરમાં દીક્ષા લીધી હતી.

 જેના ૫ાંચ દિવસ પછી જ એટલે કે, ૧૫ ઓકટોબર વર્ષ ૧૯૬૫માં અક્ષરનિવાસી હરીપ્રસાદ સ્વામીની સાથે જ ભગવી દીક્ષા લીધી હતી તેમજ યોગીજી મહારાજે તેઓનું નામ પ્રેમસ્વરૂપદાસ સ્વામી નામ રાખ્યું હતું. પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું મૂળ નામ પ્રફૂલભાઇ પટેલ છે. જેઓ આણંદ જિલ્લામાં આવેલ ધર્મજ ગામના વતની છે.  હાલમાં એમની ઉંમર ૭૫ વર્ષની છે. તેઓ યોગી ડિવાઇન સોસાયટીના કોઠારી સ્વામી તરીકેની સેવા આપી રહયા છે.

(3:56 pm IST)