રાજ્યના પ્રથમ મહિલા સ્પીકર ડો. નીમાબેન આચાર્યની વરણી પ્રસંગે ગાંધીનગર પહોંચેલા કચ્છી આગેવાનો દ્વારા સન્માન
સાંસદ, કચ્છ ચેમ્બર ઉપરાંત ભુજ મત વિસ્તારના શુભેચ્છકો મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચ્યા
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૮ : ડો. નીમાબેન આચાર્યની રાજયના પ્રથમ મહિલા સ્પીકર તરીકે વરણી થયાના પ્રસંગે તેમના પરિવારજનો ઉપરાંત કચ્છના રાજકીય આગેવાનો અને મત વિસ્તાર ભુજથી મોટી સંખ્યામાં શુભેચ્છકો ગાંધીનગર પહોંચ્યા હતા.
ડો. નીમાબેન આચાર્યને મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, કચ્છ ભાજપના પ્રભારી અને પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલ, પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ અક્ષય ઠકકર, ભુજ પાલિકાના પ્રમુખ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર ઉપરાંત નગરસેવકો, પંચાયતના સદસ્યો, ભુજ મત વિસ્તારના ગ્રામીણ વિસ્તારના અગ્રણીઓએ સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.
કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશ ભટ્ટ, કર્નલ જોહર, ભૂપેન્દ્ર મહેતા, સંદીપ ગોર સહિતના સદસ્યોએ તેમનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. ડો. નીમાબેનના પરિવારમાંથી પતિ ડો. ભાવેશ આચાર્ય, પુત્ર મુકેશ આચાર્ય ઉપરાંત તેમના ભત્રીજા અને યુવા ભાજપના અગ્રણી ધવલ આચાર્ય સહિતના પરિવારજનોએ પણ હર્ષની લાગણી વ્યકત કરી હતી.