ગુજરાત
News of Monday, 28th September 2020

વલસાડ નગરપાલિકાએ મિનારા પાછળ કરોડો રૂપિયા ફૂંકી માર્યા : પાલિકા લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ

મિનારા પાછળ રૂ. 5 કરોડનું એંધાણ કરી નાખ્યું છે. છતાં 2 વર્ષ પૂરા થવા છતાં આ બાગ ખુલ્લો મુકી શકાયો નથી.

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ શહેરમાં ખરાબ રસ્તા, ગટરના ઉભરાતા પાણીની સમસ્યા હલ ન કરી શકનારી નગરપાલિકાએ મિનારા પાછળ કરોડો રૂપિયાનું એંધાણ કરી નાખ્યું છે. અતિ જર્જરિત મિનારા પાછળ પાલિકાના શાશકોનો પ્રેમ કેમ ઉભરાઇ રહ્યો છે, તેના સવાલના જવાબો શહેરીજનો શોધી રહ્યા છે

  . વલસાડમાં અતિ જર્જરિત એવો મિનારો ગમે ત્યારે તૂટી પડે એવી હાલતમાં હતો. જેના કારણે પાલિકાના ચીફ ઓફિસર જે. યુ. વસાવાએ અહીં લોકોનો પ્રવેશ નિષેધ કરી દીધો હતો. આ પડી જાય એવા મિનારાને હાલ કરોડો રૂપિયાના ખર્ચે નવા રંગ રૂપ અપાયા છે, પરંતુ તેેમાં ઉપર જવાય એવી સ્થિતિ હજુ સુધી ઉભી થઇ શકી નથી. આ મિનારા પાછળ રૂ. 5 કરોડનું એંધાણ કરી નાખ્યું છે. છતાં 2 વર્ષ પૂરા થવા છતાં આ બાગ ખુલ્લો મુકી શકાયો નથી. અહીં મુકાયેલા રમતગમતના સાધનો પણ બીજા ચોમાસામાં ભીંજાઇને કટાઇ ગયા છે, પરંતુ બાગ ખુલ્લો મુકી શકાયો નથી. એક તરફ શહેરના બિસ્માર માર્ગ અને ઉભરાતી ગટરો તેમજ રસ્તા નીચે બનાવાયેલી ડ્રેનેજલાઇન ઠેર ઠેર તૂટીને ઉભરાઇ રહી છે. તેની મરામત પાલિકા કરી શકતી નથી. પાલિકા પોતાના કર્મચારીઓનો પગાર સમયસર કરી શકતી નથી. બીજી તરફ મીનારા પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કરે છે. ત્યારે પાલિકાના આવા બુદ્ધિવિહિન વહીવટદારો ભાજપની છબી ખરડાવી રહ્યા હોવાની પ્રતિતિ થઇ રહી છે.

(6:46 pm IST)