ગુજરાત
News of Saturday, 28th September 2019

અમેરિકાની બીજી સૌથી મોટી બેંક હવે ગાંધીનગરમાં : ગિફ્ટ સિટીમાં છ માળની ઓફિસ ખોલવા નિર્ણંય

સૌથી ઓછા સમયમાં મંજૂર થઇ પરવાનગી: નવેમ્બરથી કામ થશે શરુ

ગાંધીનગર : ગુજરાતના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન ગીફ્ટ સીટીમાં હવે બેંક ઓફ અમેરિકા પોતાની ઓફિસ ખોલી રહી છે. USAની બીજી સૌથી મોટી બેંક 'બેંક ઓફ અમેરિકા કોર્પોરેશન'એ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સીટી (ગીફ્ટસીટી) ગાંધીનગરમાં પોતાની ઓપરેશનલ ઓફિસ ખોલવાનો નિર્ણય કર્યો છે.

 સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના ડેવલોપમેન્ટ કમિશ્નર ડો. અમિત ચંદ્રાએ શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે બેંક ઓફ અમેરિકાની પ્રપોઝલ ૭ દિવસના વિક્રમજનક ઓછા સમયમાં સ્વીકારીને તેમને પરવાનગી આપી દીધી હતી. હજી આ ઓફિસની ચોક્કસ કામગીરી શું હશે તે બહાર આવ્યું નથી પરંતુ તે USAમાં ચાલતા બેંક ઓફ અમેરિકાના વ્યવહારોને IT સપોર્ટ આપશે તેવો પ્રોજેક્ટ શરુ કરે તેવી સંભાવના છે.

  આ ઓફિસ ગીફ્ટ સીટીના સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં આવેલી હશે. ઓફિસમાં ઈમારતના કુલ ૬ માળનો સમાવેશ થાય છે. બેંકને અત્યારથી જ ઓક્યુપન્સી સર્ટીફીકેટ આપી દેવાયું છે. તેઓ આગામી ૬ મહિનામાં સંપૂર્ણ રીતે કામગીરી ચાલુ કરી દેશે તેવી શક્યતા છે.આશરે ૧૦૦ કર્મચારીઓ સાથે ઓફિસ આ વર્ષના નવેમ્બર મહિનાથી જ કામકાજ શરુ કરી દેશે.

  સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના ડેવલોપમેન્ટ કમિશ્નર ડો. અમિત ચંદ્રાએ જણાવ્યું કે દેશમાં કુલ ૨૩૪ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન છે. આમાંથી ફક્ત ૨૦ ઝોન ગુજરાતના છે. આમ દેશના કુલ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાંથી ૧૦%થી ઓછા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન ધરાવતા ગુજરાત રાજ્યના ઝોન્સ દેશના ૩૦% જેટલા એક્સપોર્ટ માટે જવાબદાર છે.

(8:06 pm IST)