ગુજરાત
News of Saturday, 28th September 2019

ખેડા જિલ્લામાં સર્જાયેલ જુદા-જુદા 3 ગમખ્વાર અકસ્માતમાં એકનું કમકમાટીભર્યું મોત:3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા: જિલ્લામાં સર્જાયેલા જુદા-જુદા ત્રણ માર્ગ અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. બનાવ અંગે પોલીસે ફરીયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલ ચાંદલોડીયા વિસ્તારમાં રહેતાં જયેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ મોચી અમદાવાદમાં આવેલ એક બેટરી રીપેરીંગની દુકાનમાં છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરે છે. તેઓને બેટરી રીપેરીંગ માટે અવારનવાર બહારગામ જવાનું થતું હોય છે. ગતરોજ તેઓને બેટરી રીપેરીંગના કામ અર્થે અંકલેશ્વર જવાનું હતું. જેથી જયેન્દ્રભાઈ અને ગાડીના ડ્રાઈવર સંજયભાઈ દિવાનજીભાઈ નટ તેમના શેઠની મારૂતીવાન ગાડી નં.-જીજે, ૦૧-આરઝેડ ૯૫૫૮ લઈ અંકલેશ્વર જવા નીકળ્યાં હતાં. સવારે નવ વાગ્યાંના અરસામાં તેઓ ગાડી લઈ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા નડિયાદ તાલુકાના ચકલાસી તાબે મહાદેવપુરા સીમમાંથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે ગાડીના ચાલક સંજયભાઈએ માર્ગ પર આગળ જતા ટ્રેઈલર નં. જીજે-૧૨, બીડબલ્યુ-૦૫૨૪ની ડાબી સાઈડેથી ઓવરટેક કરવા જતાં ગાડી આગળ જતાં ટ્રેઈલર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

          અકસ્માતમાં જયેન્દ્રભાઈને સામાન્ય ઈજાઓ થઈ હતી. જ્યારે ગાડીના ચાલક સંજયભાઈને મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હોઈ પુષ્કળ પ્રમાણમાં લોહી નીકળી રહ્યું હતું. તેમજ તેમનું શરીર ગાડીમાં ફસાઈ ગયું હતું. હાઈવે પેટ્રોલીંગ ગાડી લઈ આવેલા કર્મચારીઓએ ગાડીમાં ફસાયેલા સંજયભાઈને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યાં. જો કે સંજયભાઈને ગંભીર ઈજાઓ થઈ હોઈ નડિયાદ સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જ્યાં સંજયભાઈ દિવાનજીભાઈ નટનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

(5:39 pm IST)