ગુજરાત
News of Saturday, 28th September 2019

ખેરાલુ દુર્ઘટના બાદ મહેસાણા જીલ્લાની તમામ શાળાઓમાં તમામ વાયરીંગ ચેક કરવા આદેશ

સુરક્ષાના પગલાં લેવા મહેસાણા પ્રાથમિક શિક્ષણ સમિતિએ પત્ર લખ્યો

મહેસાણા : ખેરાલુ તાલુકાની શાળામાં વિજ વાયરના કરંટથી બાળકના મોત બાદ દોડધામ મચી ગઇ છે. તપાસ રિપોર્ટ તૈયાર થયો હોવાથી દુર્ઘટનાની જવાબદારી નક્કી થશે. આ સાથે ચોમાસું સિઝન હોવાથી તમામ શાળાઓમાં વાયરીંગ ચેક કરવા આદેશ થયો છે. કોઇપણ સંજોગોમાં જોખમી વિજ વાયર નહિ રાખી સુરક્ષાના પગલાં લેવા મહેસાણા પ્રાથમિક શિક્ષણ સમિતિએ પત્ર લખ્યો છે.

   મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની ભાંઠા પ્રાથમિક શાળામાં ગુરુવારે બાળકના મોત બાદ  શુક્રવારે શિક્ષણ કાર્ય ઠપ્પ રહ્યું હતું. ગામમાં શોક હોવાથી અને શાળામાં બનેલી ઘટનાથી ગભરાટ ઉભી થઇ છે. આથી શિક્ષણ સમિતિએ દુર્ઘટનાની તપાસ પૂર્ણ કરી રિપોર્ટ આધારે કાર્યવાહી હાથ ધરી છે. આથી શાળા શિક્ષક સામે નોટીસ આપવાથી લઇને અન્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવી શકે છે. બીજી તરફ તાત્કાલિક અસરથી તમામ પ્રાથમિક શાળામાં વિજ જોડાણ ચેક કરવા આદેશ થયા છે.

   સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું કે, દરેક શાળામાં ખુલ્લા વાયરીંગ તપાસવા સુચના આપી છે. આ સાથે જે શાળામાં દુર્ઘટના બની છે ત્યાં ફરીથી વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ સંપાદન થાય તેવો પ્રયત્ન છે. જેમાં જરૂર પડશે તો તાલુકા અને જિલ્લાની ટીમ ગામલોકો સાથે બેઠક કરી સમજાવટ પણ કરશે.

(1:58 pm IST)