ગુજરાત
News of Friday, 28th September 2018

એચએલ રેગીંગ : ક્ષિતિજના જામીન અંગે નિર્ણય અનામત

જામીન અરજીનો સરકાર દ્વારા ઉગ્ર વિરોધ કરાયોઃ જામીન અરજીના સંદર્ભમાં સુનાવણી પરિપૂર્ણ : સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો : આજે ચુકાદાની સંભાવના

અમદાવાદ, તા.૨૮: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એચ.એલ. કોમર્સ કોલેજમાં એફવાય બીકોમમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે રેગિંગ કરી તેને આત્મહત્યાના પ્રયાસ માટે મજબૂર કરવાના ચકચારભર્યા કેસમાં આરોપી ક્ષિતિજ દેવસી મગનભાઇ દેસાઇ(રબારી)ની જામીનઅરજીમાં આજે સુનાવણી પૂર્ણ થઇ જતાં સેશન્સ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સરકાર પક્ષ તરફથી આરોપીની જામીનઅરજીનો સખત વિરોધ કરાયો હતો. એડિશનલ સેશન્સ જજ ડી.જે.શાહ દ્વારા આવતીકાલે આ કેસમાં આરોપીની જામીનઅરજી પર ચુકાદો સંભળાવાય તેવી શકયતા છે. આરોપી ક્ષિતિજ રબારીની જામીનઅરજીનો સરકારપક્ષ દ્વારા સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા એકબીજાના મેળાપીપણામાં રેગિંગના ત્રાસથી કંટાળી ગોપાલ મહિડા નામના વિદ્યાર્થીએ તાજેતરમાં જ કોલેજના બાથરૃમમાં ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રેગીંગની આ ઘટનાને પગલે સમગ્ર શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ટીવાય બીકોમમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ અને તેના સાથીઓએ મળી વિદ્યાર્થીને તેમની સામે જાહેરમાં ડાન્સ કરવા અને પેન્ટ ઉતારવા માટે ફરજ પાડી હતી. મૂળ અમરેલીના રાજુલા તાલુકાના ભાઠા ગામનો રહેવાસી ગોપાલ મહિડાએ જુલાઇ મહિનામાં એચ.એલ. કોમર્સ કોલેજમાં એફવાય બીકોમના પ્રથમ સેમેસ્ટરમાં એડમિશન લીધું હતું. યુનિવર્સિટી પાસે આવેલ એચ.એલ. કોમર્સ કોલેજની હોસ્ટેલમાં રહે છે. કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ક્ષિતિજ રબારી, જયેશ ભરવાડ (રહે. ઘાટલોડિયા ગામ) અને જયેશ રબારી (રહે. ગોપાલવાસ, ચામુંડાડેરી પાસે, નવરંગપુરા) સહિતના આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી ગોપાલને હેરાન-પરેશાન કરતા હતા. ગોપાલ જ્યારે પણ કેમ્પસમાંથી નીકળે ત્યારે તેના બાઇકની ચાવી લઇ ટપલીદાવ પણ કરતા હતા. દલિત સમાજનો હોવાથી તેને જાતિવિષયક શબ્દો બોલીને હેરાન કરતા હતા. રિસેસના સમયમાં તેને ડાન્સ કરવાનું અને જાહેરમાં પેન્ટ ઉતારવા કહેતા હતા. ગોપાલ આ હરકતો કરવાની ના પાડતો ત્યારે અપશબ્દો બોલી એટ્રોસિટી અમારી પાસે નહીં ચાલે તેમ કહી ગાળાગાળી કરતા હતા. આરોપીઓનું કૃત્ય ઘણું ગંભીર, ઘૃણાસ્પદ અને સુપ્રીમકોર્ટના ચુકાદાનો સરેઆમ ભંગ કરતું હોઇ કોર્ટે આરોપીને કોઇપણ સંજોગોમાં જામીન આપવા જોઇએ નહી. પક્ષકારોની સુનાવણી પૂરી થતાં કોર્ટે ચુકાદો આવતીકાલ પર મુલત્વી રાખ્યો હતો.

(10:17 pm IST)