ગુજરાત
News of Friday, 28th September 2018

સ્વાઈન ફ્લુથી ગુજરાતમાં ભારે દહેશત : વધુ ૩ મોત

સ્વાઈન ફ્લુના ૧૯૦ દર્દી હજુય સારવાર હેઠળ : રાજકોટ, અરવલ્લી અને ખેડામાં સ્વાઇન ફ્લુ લીધે એક-એક વ્યક્તિનું મોત થયું : સ્વાઇન ફ્લુથી તંત્રમાં ભાગદોડ

અમદાવાદ,તા.૨૮ : સ્વાઈન ફ્લુના કારણે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર હાહાકાર મચી ગયો છે. સ્વાઈન ફ્લુના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. આજે વધુ ત્રણ લોકોના મોત થતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આની સાથે જ મોતનો આંકડો વધીને ૧૭ ઉપર પહોંચ્યો હતો. સ્વાઇન ફ્લુના કારણે આજે રાજકોટ, અરવલ્લી અને ખેડામાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. સપ્ટેમ્બર મહિનામાં સ્વાઈન ફ્લુના ૫૪૯ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે જે પૈકી હજુ પણ ૧૯૦ દર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ૩૪૨ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.  રાજ્યભરમાં હવેથી સ્વાઇન ફ્લૂના દર્દીઓ સિઝનલ ફ્લૂના દર્દી તરીકે કેસ પેપરમાં નોંધાશે, કારણ કે રાજ્ય સરકારે હવે સ્વાઇન ફ્લૂને સિઝનલ ફ્લૂનું સત્તાવાર નામ આપ્યુ છે. જો કે, બીજીબાજુ, રાજય સરકારના આ નિર્ણયને લઇ પ્રજાજનોમાં રોષની લાગણી ફેલાઇ છે કારણ કે, સ્વાઇન ફલુના દર્દીઓનો સાચો આંક ઢાંકપિછોડાનો પ્રયાસ થશે અને સાચો મૃત્યુઆંક અને દર્દીઓનો આંકડો બહાર નહી આવી શકે તેવી દહેશત પણ જાગૃત નાગરિકોએ વ્યકત કરી હતી.  આ અંગે આરોગ્ય વિભાગના હેલ્થ નિયામક પરેશ દવેએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં હવે સ્વાઇન ફ્લૂ સિઝનલ ફ્લૂના નામથી ઓળખાશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સૂચના બાદ ભારત સરકારે રાજ્યને કરેલી ભલામણના આધારે આ નિર્ણય લેવાયો છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યા બાદ તેને અધૂરી સારવારે અન્ય હોસ્પિટલમાં રિફર કરી શકાશે નહીં. જો એવું થશે તો એપિડેમિક એક્ટ-૧૮૯૭ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે. રાજ્યના તમામ નોડલ ઓફિસર સાથે સિઝનલ ફ્લૂના મુદ્દે તેમજ શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આજે એક મિટિંગ યોજાઇ છે, જેમાં તેઓને સ્વાઇન ફ્લૂના બદલે સિઝનલ ફલૂ કેસ પેપરમાં લખવા માટે જણાવવામાં આવશે. વર્ષ ર૦૦૯માં એચ-૧ એન-૧ના ઘાતક વાઇરસને સ્વાઇન ફલૂ તરીકે જાહેર કરાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)એ વૈજ્ઞાનિક કારણસર સ્વાઇન ફ્લૂને સિઝનલ ફ્લૂ નામ આપ્યું છે. હવે આરોગ્ય વિભાગ પણ તેને સિઝનલ ફ્લૂ તરીકે ઓળખશે તેવું નાયબ નિયામક એપિડેમિક ડો. દિનકર રાવલે પણ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીમાર નાગરિકો સમયસર સારવાર શરૃ કરે તે માટે તકેદારી રખાશે. જો ૪૮ કલાકમાં એન્ટિ વાઈરલ દવા ન લેવાય તો તે રોગ અન્યમાં ફેલાય છે. જો કે, રાજય સરકારના આ નિર્ણયને લઇ રાજયના પ્રજાજનોમાં ખાસ કરીને જાગૃત નાગરિકોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.

સ્વાઈન ફ્લુનો આતંક..

અમદાવાદ, તા. ૨૮ : સ્વાઈન ફ્લુના કારણે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર હાહાકાર મચી ગયો છે. સ્વાઈન ફ્લુના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. આજે વધુ ત્રણ લોકોના મોત થતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. સ્વાઈન ફ્લુનું ચિત્ર નીચે મુજબ છે.

સપ્ટેમ્બર મહિનામાં કુલ કેસ............................ ૫૪૯

હાલ સારવાર હેઠળ દર્દી.................................. ૧૯૦

સારવાર બાદ રજા આપી દેવાઈ...................... ૩૪૨

શુક્રવારે મોત થયા............................................ ૦૩

મોતનો આંકડો થયો......................................... ૧૭

રાજકોટમાં મોત................................................ ૦૧

અરવલ્લીમાં મોત............................................. ૦૧

ખેડામાં મોત..................................................... ૦૧

(8:15 pm IST)