ગુજરાત
News of Friday, 28th September 2018

ડાકોર ભકિતપથને કરોડોના ખર્ચે રિસરફેસ કરવા તૈયારી

ડાકોરના લાખો પદયાત્રીઓ માટે મહત્વનો નિર્ણય : જશોદાનગરથી લાલગેબી આશ્રમ, નિરમા નાળા સુધીના ભક્તિપથને સુંદર અને રળિયામણો બનાવવા આયોજન

અમદાવાદ, તા.૨૮ : ડાકોરના ઠાકોર ગણાતા ભગવાન શ્રી રણછોડરાયનાં દર્શનાર્થે ચાલીને જનારા લાખો શ્રદ્ધાઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા જશોદાનગર ચોકડીથી લાલગેબી આશ્રમ થઈને નિરમા નાળા સુધીના રોડને ભક્તિપથ બનાવાયો છે, પરંતુ આ ભક્તિપથ વર્ષોથી પદયાત્રીઓ માટે ધૂળિયો પથ તરીકે જાણીતો હતો, આ અંગે સ્થાનિક રહીશોથી માંડી કાઉન્સીલરો સહિતના લોકોએ અનેક રજૂઆતો પણ કરી હતી. જો કે, હવે મોડે મોડે પણ આ રજૂઆત અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા ધ્યાન પર લેવાઇ છે અને ડાકોર જતાં લાખો પદયાત્રિકાઓના હિત અને સુુવિધાને ધ્યાનમાં રાખી અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા રૃ.૯.૫૭ કરોડના ખર્ચે રિસરફેસ કરવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં જ છે, જે અંગે સ્થાનિક સ્તરેથી વારંવાર ઉગ્ર રજૂઆત થતાં હવે તંત્ર દ્વારા તેને રિસરફેસ કરવા રૃ. ૯.૫૭ કરોડનો અંદાજ તૈયાર કરાયો છે. જશોદાનગર ચોકડીથી લાલગેબી આશ્રમ થઈને નિરમા નાળા સુધીના ભક્તિપથને સુંદર અને રળિયામણો બનાવાશે. રસ્તામાં લાખો પદયાત્રિકો અને વટેમાર્ગુઓ માટે પીવાના પાણી સહિતની અન્ય સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે. ફાગણી પૂનમ સહિતની પૂનમે પગપાળા ચાલીને ડાકોરના શ્રી રણછોડરાયનાં દર્શનાર્થે જનારા પદયાત્રીઓ માટે છેક વર્ષ ૧૯૯૪માં સત્તાવાળાઓએ જશોદાનગરથી લાલગેબી આશ્રમ સુધીના રસ્તાને સુંદર બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી હતી. તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરપર્સન મધુબહેન પટેલના સમયકાળમાં એટલે કે વર્ષ ૨૦૦૫-૦૬માં આ રસ્તાને ભક્તિપથ તરીકે જાહેર કરાયો હતો. તે વખતે સત્તાવાળાઓએ ભક્તિપથ માટે સારી ફૂટપાથ તેમજ રિસરફેસિંગના કામ માટે રૃ. બે કરોડનું બજેટ ફાળવ્યું હતું, પરંતુ આ પ્રોજેક્ટ અડધો અધૂરો રહ્યો હતો. હવે તંત્ર દ્વારા લાલગેબી સર્કલ એસપી રિંગ રોડથી રામોલ પોલીસચોકી ચાર રસ્તા થઈ નિરમા નાળા સુધીના હયાત ભક્તિપથને રિસરફેસ કરવા માટે રૃ. ૯.૫૭ કરોડનો અંદાજ તૈયાર કરાયો છે, જેમાં ફૂટપાથમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર લાલગેબી સર્કલથી રામોલ પોલીસચોકી ચાર રસ્તા સુધી હયાત રસ્તાની સ્ટેબિલિટી પૂરતી ન હોઈ તેને જોડી તેમજ બંને બાજુ વાઈડનિંગ સહિત અંદાજે ૧૬ મીટર પહોળાઈમાં નવેસરથી બેઝવર્ક કરી રિસરફેસ કરાશે. જ્યારે રામોલ પોલીસચોકી ચાર રસ્તાથી નિરમા નાળા સુધીના આશરે ૧.૬૫૦ કિ.મી. લંબાઈના રસ્તા પર ઉપલબ્ધ પહોળાઈમાં રોડ રિસરફેસ કરાશે. દરમિયાન આ અંગે સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલે જણાવ્યું હતું કે, હાલના ભક્તિપથ પર પદયાત્રીઓ માટે માત્ર ખાડા અને ધૂળિયા રસ્તા સિવાય કશું જ નથી.

ભક્તિપથના રિસરફેસિંગ માટે વર્ષ ૨૦૦૫-૨૦૦૬માં પ્રોજેક્ટ અધૂરો રહ્યા બાદથી સતત ઉચ્ચ સ્તરે અમે રજૂઆત કરતા આવ્યા છીએ. ભક્તિપથની ફૂટપાથ પણ સારી નથી કે સ્ટ્રીટલાઈટની વ્યવસ્થામાં પણ લોલમલોલ છે. જો કે, હવે તંત્રએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે, તે સારી વાત છે પરંતુ તેનું શકય એટલું ઝડપથી અમલીકરણ થાય તે જરૃરી છે.

(8:14 pm IST)