ગુજરાત
News of Friday, 28th September 2018

અેક બાજુ બાળકોના કુપોષણ દૂર કરવાના પ્રયાસોના દાવા તો બીજી બાજુ ૩ વર્ષથી આવા બાળકો માટેની બજેટની ફાળવણી ઘટાડી દીધી

ગાંધીનગર: એકબાજુ ગુજરાત સરકાર બાળકોમાં કુપોષણ દૂર કરવાના પ્રયાસો કરતી હોવાના દાવા કરે છે અને મોટી-મોટી વાતો કરે છે, પણ બીજી બાજુ પાછલા 3 નાણાંકીય વર્ષથી આવા બાળકો માટે તેમણે બજેટની ફાળવણી ઓછી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં થયેલી પોતાની ચિંતન શિબિરમાં રાજ્ય સરકારે કુપોષણ માટે એક અલગ સેશન રાખ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષના ડેપ્યુટી લીટર શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગણપત વસાવાએ લેખિતમાં ગુજરાત વિધાનસભાને જણાવ્યુ હતું કે, 2015-16, 2016-17 અને 2017-18માં રાજ્યના મહિલા તેમજ બાળવિકાસ મંત્રાલય દ્વારા 62.13 કરોડ, 45.64 કરોડ અને 38.51 કરોડ રુપિયા કુપોષણનો શિકાર બાળકો માટે ફાળવવામાં આવ્યા હતા. ગ્રાન્ટનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવ્યો છે.

શૈલેષ પરમારે કહ્યું કે, ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર કુપોષણનો શિકાર બાળકોની સમસ્યાને દૂર કરવા બાબતે જાહેરાત પર વધારો ખર્ચ કરે છે, પરંતુ વાસ્તવમાં તેમની માટે ઓછો ખર્ચ કરે છે. સરકારી આંકડા પરથી સ્પષ્ટપણે જણાય છે કે સરકાર દરવર્ષે રકમમાં સતત ઘટાડો કરી રહી છે. સરકાર સ્વીકારતી નથી કે કુપોષણ એક વાસ્તવિક સમસ્યા છે.

રાજ્ય સરકાર ICDS(ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસિસ)ની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં પણ નિષ્ફળ સાબિત થઈ છે. આણંદના ધારાસભ્ય કાંતી સોઢાપરમારને લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને વિકાસ મંત્રી ઈશ્વર પરમારે સ્વીકાર્યું કે રાજ્ય સરકારે ICDS ગ્રાન્ટના 40 ટકા પૈસાનો ઉપયોગ નથી કર્યો.

(5:25 pm IST)