ગુજરાત
News of Friday, 28th September 2018

અમદાવાદના નિકોલમાં બિલ્‍ડર મુકુંદ પટેલે વ્‍યાજે લીધેલા રૂપિયાની ત્રણ ગણી રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્‍યાજખોરોઅે ઉઘરાણી કરતા આપઘાતનો પ્રયાસ

અમદાવાદઃ નિકોલના ભક્તિ બંગલોઝની બહાર એક બિલ્ડરે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરે જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. 47 વર્ષના બિલ્ડર મુકુંદ પટેલ પાસેથી મળી આવેલી સુસાઈડ નોટ અનુસાર તેણે ઉધાર લીધેલી રકમ કરતા ત્રણગણી રકમ ચૂકવી દીધી હોવા છતાંય વ્યાજખોરો તેને સતત ત્રાસ આપતા હતા. બિલ્ડર મુકુંદ પટેલ અમદાવાદના પોશ વિસ્તાર જજીસ બંગલામાં આવેલા વાઈસરોય વિલાના રહેવાસી છે.

હાલત ગંભીર થતા તેમને બાપુનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભક્તિ બંગ્લોઝના વોચમેને મુકુંદના કઝિન સુહાગભાઈને જણાવ્યું કે તેણે મુકુંદભાઈને ઠંડા પીણામાં કશુંક મિક્સ કરતા જોયા હતા. ત્યાર પછી તેમને અચાનક ઉલ્ટી થવા માંડી હતી. સુહાગે મુકુંદના ભાઈ અને ફરિયાદી વિપુલ પટેલને તરત કૉલ કર્યો હતો. તેમને બેભાન અવસ્થામાં બાપુનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

થલતેજ શિલજ રોડ પર કસ્તુરી-3માં રહેતા વિપુલભાઈએ મનન કાબરિયા ભૂપત સંગાણી, અમન વલાણી, ઈશ્વર દેસાઈ, પ્રિતેશ, આશાબેન પંકજભાઈ, પ્રવીણ સથવારા, ધીરુ ભંડારી, અશ્વિન સરધારા અને જિતેન્દ્ર ઝાલા સામે હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમણે ભક્તિ બંગ્લોઝ ખાતે સુહાગના ઘરની મુલાકાત લીધી હતી. તે અહીં થોડો આરામ કરવા માંગતા હતા. ત્યાર બાદ તેમણે ડ્રાઈવર જલારામ દેસાઈને મુકુંદની કાર સાફ કરવા જણાવ્યું હતું. દેસાઈને ભાઈની કાર અંદર ત્રણ નોટ મળી હતી.

તેમાં વ્યાજખોરો દ્વારા હેરાનગતિનો અને તેમને ત્રણ ગણા પૈસા ચૂકવ્યા હોવાનો ઉલ્લેખ હતો. તેણે વ્યાજખોરોને પોતાની પ્રોપર્ટી આપવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધમાં મુકુંદભાઈએ સુહાગને તેના પરિવારનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. તેણે ધીરુ ભંડારી સામે 69 લાખ રૂપિયા ચાંઉ કરી જવા બાદ પણ તેને નરોડામાં પોતાની જમીન તેને આપી દેવાનું દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે અન્ય લોકો પર તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.

(5:23 pm IST)