ગુજરાત
News of Friday, 28th September 2018

અમદાવાદના દાંતના ડોક્ટર દ્રષ્‍ટિ ભટ્ટ પાસે દર્દી બનીને આવેલા શખ્‍સે છરીને અણીઅે લૂંટ ચલાવી

અમદાવાદ: આનંદનગરમાં ક્લિનિક ચલાવતી 29 વર્ષીય ડેન્ટિસ્ટે સારવાર માટે આવેલા દર્દી સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે. આનંદનગરમાં રહેતી અને આદિતરાજ આર્કેડમાં ક્લિનક ચલાવતી ડૉ. દ્રષ્ટિ અતુલભાઈ ભટ્ટે નરેન્દ્ર રાઠોડ નામના દર્દી સામે ફરિયાદ નોંધાવી છે. બે વર્ષથી ક્લિનિક ચલાવતી દ્રષ્ટિ પાસેથી ચપ્પુની અણીએ નરેન્દ્ર રાઠોડે 10,000 રૂપિયાની કિંમતના મોબાઈલની લૂંટ ચલાવી.

ફરિયાદી દ્રષ્ટિએ કહ્યું કે, “હું નરેન્દ્રને ઘણા સમયથી ઓળખું છું. તે પહેલા તેની માતાની સારવાર માટે આવ્યો હતો. 18 સપ્ટેમ્બરે તે પોતાની મારા ક્લિનિકમાં સારવાર માટે આવ્યો. બુધવારે તે સારવાર માટે આવ્યો ત્યારબાદ તે ફી આપવા મારી પાસે આવ્યો અને ફરીથી ક્યારે આવે તેવું પૂછ્યું. દરમિયાન મેં 10,000ની કિંમતનો મારો ફોન ડ્રોઅરમાંથી બહાર કાઢ્યો. મારો ફોન જોતાં તેણે ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યું અને મારા ગળા પર મૂક્યું. મારા હાથમાં રહેલો ફોન આંચકીને જતો રહ્યો.”

દ્રષ્ટિએ કહ્યું કે, ”હું ઘટનાથી ડરી ગઈ. મેં મદદ માટે બૂમાબૂમ કરી પરંતુ ત્યાં સુધીમાં તે નાસી ગયો હતો.” દ્રષ્ટિએ નરેન્દ્રનો પીછો કરવાની કોશિશ કરી પણ તે બાઈક પર ફરાર થઈ ગયો એટલે બાઈકનો નંબર પણ નોંધી શકાયો. આનંદનગર પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ ડોક્ટર દ્રષ્ટિ પાસે નરેન્દ્રનું સરનામું છે. આનંદનગર પોલીસે હાલ તો આરોપી નરેન્દ્ર સામે ફરિયાદ દાખલ કરી છે. CCTVના આધારે આરોપીની શોધખોળ ચાલુ છે.

(5:22 pm IST)