ગુજરાત
News of Friday, 28th September 2018

અમદાવાદમાં રેલવે સ્ટેશનમાં આરામ ગૃહનો ભાગ તૂટી પડતા દોડધામ

અમદાવાદ: રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર ૧૨ પર પહેલા માળે રૃમ નંબર ૫ માં આવેલા ટીટી રેસ્ટરૃમનો ધાબાના કેટલોક ભાગ તૂટી પડતા અફડાતફડી મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં સદનસીબે કોઇને ઇજા કે જાનહાની થવા પામી નહોતી. રેલવેની ઓફિસો, કોલોનીઓ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી રેલવે કર્મચારીઓ જીવના જોખમ વચ્ચે વસવાટ કરી રહ્યા છે.

આ અંગે રેલવે યુનિયનોના આગેવાનોના જણાવ્યા મુજબ અમદાવાદમાં રેલવે કર્મચારીઓ માટે બનાવાયેલી કોલોનીઓ વર્ષો જુની છે. જે ખખડધજ હાલતમાં હોવાથી વારંવાર ધાબાના પોપડા તૂટી પડતા ઇજા થવાના બનાવો બનેલા છે. વટવા રેલવે કોલોનીમાં ગટરની વ્યવસ્થા જ નથી, મણિનગર રેલવે કોલોનીના ૪૦ વર્ષ જુના મકાનોમાં બાથરૃમની પણ વ્યવસ્થા નથી.

કાંકરિયા, સાબરમતી, કાલુપુર અને અસારવા ખાતે આવેલી રેલવે કોલોનીઓ અત્યંત જર્જરિત અવસ્થામાં છે. જેના મકાનો ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા રહીશો વ્યક્ત કરી રહ્યા છે.

(5:10 pm IST)