ગુજરાત
News of Friday, 28th September 2018

આણંદના ડાલી નજીક પોલીસે રહેણાંક મકાનમાંથી 1.20 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપ્યો

આણંદ: જિલ્લાનાં બોરસદ તાલુકાનાં ડાલી ગામે રાજકોટ અને વિરસદ પોલીસે સંયુકત રીતે આજે બપોરનાં સુમારે છાપો મારીને ૨૦૧૬ કિલો ગાંજા કિ.રૃ।.૧,૨૧,૦૦૦૦ નો જથ્થો ઝડપી પાડયો હતો. આ અંગે વિરસદ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.આણંદ જિલ્લાનાં ઈતિહાસમાં સૌપ્રથમ વાર આટલો મોટો ગાંજાનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. 

મળતી વિગતો અનુસાર રાજકોટની એસઓજી પોલીસએ થોડા દિવસો પૂર્વે ઓપરેશન બ્લેકહોલ અંતર્ગત ૩૫૭ કિલો ગાંજા સાથે મહિલા સહીત આરોપીઓને ઝડપી પાડી પુછપરછ કરી હતી. જેમાં ગાંજાનો જથ્થો સુરતથી આવતો હોવાનું ખુલતા પોલીસે મુખ્ય સુત્રધારો વિજય અશોક કુલપતી,મુકેશગીરી જસવંતગીરી ગોસ્વામીને ઝડપીને ઉલટતપાસ હાથ ધરી હતી. જેમાં સુરતનાં ચેતનસિંહ ઉર્ફે રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાનાં મોસાળ આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકાનાં ડાલી ગામે ઈન્દીરાનગરીમાં રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડયો હોવાનું ખુલ્યું હતું. આ માહિતીના આધારે ચેતનસિંહનો મોબાઈલ ફોન ટ્રેસ કરતા ડાલી ગામનું લોકેશન મળતા આજે બપોરનાં સુમારે રાજકોટની ક્રાઈમ બ્રાંચ અને વિરસદ પોલીસ તેમજ બોરસદનાં મામલતદારએ સંયુકત રીતે ડાલી ગામે ઈન્દીરાનગરીમાં છાપો મારી રહેણાંક મકાનમાં સંતાડેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે સુરતનાં ચેતનસિંહ ઉર્ફે રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે સુરતનાં ચેતનસિંહ ઉર્ફે રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલાનાં મામા ડાલી ગામે હોઈ તેણે સાડીઓ વેચવાની આડમાં ગાંજા સપ્લાય કરવાનું શરૃ કર્યું હતું. સાડીઓનાં જથ્થાની આડમાં તે ગાંજાનો જથ્થો અહીયાં સંતાડતો હતો અને ગાંજો સૌરાષ્ટ્ર સહીત જિલ્લાભરમાં સપ્લાય કરતો હતો.પોલીસે ગાંજાનાં જથ્થાની સાથે મળેલી સાડીઓનો જથ્થો ટ્રેકટરમાં ભરી નજીકનાં ખુલ્લા ખેતરમાં લઈ જઈં સળગાવી દઈ નાશ કર્યો હતો, 

(5:10 pm IST)