ગુજરાત
News of Friday, 28th September 2018

વૃધ્ધાના ગળામાંથી 45 હજારના દાગીનાની ચોરી કરી રિક્ષામા આવેલ ચાર શખ્સો છનનન....

આણંદ:શહેરના સ્ટેશન રોડ ઉપર આજે સવારના સુમારે અમદાવાદની એક વૃદ્ઘાના ગળામાંથી ૪૫ હજારની કિંમતના સોનાના દોરાની તફડંચી કરીને રીક્ષામાં સવાર ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. જો કે આ અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નથી. 
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના વટવા ખાતે રહેતા સુશીલાબેન વિનોદભાઈ ગોહેલ (ઉ.વ. ૬૦)આંખોની તપાસ માટે અમદાવાદથી ટ્રેન મારફતે આણંદ આવ્યા અને સ્ટેશન રોડ પરથી ચાલતા-ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક રીક્ષા આવી ચઢી હતી જેમાં બે યુવાનો ઉપરાંત એક સ્ત્રી પણ બેઠી હતી. રીક્ષાચાલકે જણાવ્યું હતુ કે, માજી તમારાથી ચલાતુ નથી, જેથી રીક્ષામાં બેસી જાવ હુ ંતમને ઉતારી દઉ છું. જેથી સુશીલાબેન રીક્ષામાં બેસી ગયા હતા. દરમ્યાન અંદર બેઠેલા શખ્સોએ તેમને વાતોમાં પરોવીને સીફતપૂર્વક ૪૫ હજારની સોનાની ચેઈન કાઢી લીધી હતી અને ટૂંકી ગલી પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા. રીક્ષામાંથી ઉતર્યા બાદ સુશીલાબેને પોતાના ગળામાં ચેઈન ના જોતાં હતપ્રત બની ગયા હતા અને તુરંત જ નજીકમાં આવેલા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં સઘળી વિગતો જણાવી હતી. 
પોલીસે તુરંત જ ઉક્ત વર્ણનવાળી રીક્ષાની તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ મળી આવ્યુ નહોતુ. જો કે આ અંગે વૃધ્ધાએ જ કોઈ ફરિયાદ આપી નહોતી જેને લઈને હજી સુધી પોલીસ મથકે કોઈ ફરિયાદ થવા પામી નથી.

(5:09 pm IST)