ગુજરાત
News of Friday, 28th September 2018

બોરસદની આણંદ ચોકડી નજીક પોલીસે કારમાંથી 3.30 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

બોરસદ:પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન એક્સયુવી કારને આણંદ ચોકડી પાસેથી ઝડપી પાડીને તેમાંથી ૩.૩૦ લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે એક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ અંગે બોરસદ શહેર પોલીસે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ શહેર પોલીસ નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ખડોલ (હ)તરફથી એક મહિન્દ્રા એક્સયુવી કાર નંબર જીજે-૫, એએફ-૨૦૦૧ની આવી ચઢતાં પોલીસે તેને શંકાને આધારે અટકાવવાનો પ્રયત્ન કરતા કારના ચાલકે હંકારી મુકી હતી જેથી પોલીસે પીછો કરતા થોડે દુર ચાલકે કારને ઉભી રાખી હતી તેમાંથી એક શખ્સ ઉતરીને ફરાર થઈ ગયો હતો. 
પોલીસે એકને ઝડપી પાડીને તલાશી લેતાં કારમાંથી વિદેશી દારૂની કુલ ૮૦૪ બોટલો મળી આવી હતી જેની કિંમત ૩.૩૦ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પુછતાં તે આંકલાવ ખાતે રહેતો ઉમેશભાઈ જસભાઈ પારેખ તેમજ ફરાર થઈ ગયેલો શખ્સ ખડોલ (હ)નો અરવિંદ ઉર્ફે પપ્પુ શનાભાઈ ઠાકોર હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસને પકડાયેલા ઉમેશભાઈ પાસેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ ફોન તથા કાર સાથે કુલ ૭.૩૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:08 pm IST)