ગુજરાત
News of Friday, 28th September 2018

આણંદની બોરસદ ચોકડી નજીક પુરપાટ ઝડપે જતા ટ્રેલરે બાઇકને ટક્કર મારતા ચાલકનું ગંભીર ઇજાથી મોત: મહિલા ઈજાગ્રસ્ત

બોરસદ:બોરસદ-ધર્મજ રોડ ઉપર આવેલી આણંદ ચોકડી પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતા ટ્રેલરે આગળ જતા મેસ્ટ્રોને ટક્કર મારતાં ચાલકનું સારવાર દરમ્યાન મોત થયું હતુ જ્યારે મહિલાને ઈજાઓ થવા પામતાં તેણીને બોરસદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ અંગે બોરસદ શહેર પોલીસે ટ્રેલરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
અકસ્માતની મળતી વિગતો અનુસાર મુળ વડદલા ગામના પરંતુ હાલમાં હાલોલ ખાતે રહેતા કોમલબેન જયેશભાઈ મકવાણા (રોહિત)આજે સવારના સુમારે પોતાના ભાઈ અમિતકુમાર સાથે મેસ્ટ્રો નંબર જીજે-૨૩, બીકે-૪૦૦૯ ઉપર સવાર થઈને પોતાના ગામ વડદલા જવા નીકળ્યા હતા. 
નવેક વાગ્યાના સુમારે બોરસદની આણંદ ચોકડી પાસે આવેલી પી. ચન્દ્ર સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા ટ્રેલર નંબર જીજે-૧૮, એઝેડ-૯૧૦૦એ ટક્કર મારતાં બન્ને જણાં રોડ ઉપર ફંગોળાયા હતા જેમાં ચાલક અમિતકુમારને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી જ્યારે કોમલબેનને પણ માથામાં પગે હાથે ઈજાઓ થવા પામી હતી. બન્નેને તુરંત જ સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાનમાં બોરસદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બપોર બાદ અમિતકુમારનું અવસાન થયું હતુ. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને ટ્રેલરના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે બોરસદની આણંદ ચોકડીએ માર્ગની બન્ને બાજુ ગેરકાયદેસર રીતે ગલ્લાઓ અને દુકાનોનું દબાણ ઉભુ કરી દેવામાં આવ્યું છે જેને લઈને અકસ્માતોની વણઝાર ચાલુ થઈ જવા પામી છે.

(5:08 pm IST)