ગુજરાત
News of Friday, 28th September 2018

ખેડાના કલોલીમાં વીજ જોડાણ કાપવા ગયેલ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

ખેડા:તાલુકાના કલોલી ગામે વીજ બીલ બાકી પડતું હોઈ ખેતીવાડીનું વીજ જોડાણ કાપવા ગયેલ વીજ કંપનીના કર્મચારીને વીજપોલ ઉપર ચઢીશ તો ટાંટીયા ભાગી નાંખવાની તેમજ આત્મ વિલોપન કરવાની ખેડૂત પિતા-પુત્રએ ધમકી આપી હોવાના બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં અરજી આપવામાં આવી છે. 
મળેલ વિગત મુજબ ઉત્તર ગુજરાત વીજ કંપની પેટા કચેરી બારેજીના ઈલેક્ટ્રીકલ આસી.મહેશકુમાર પરમાર તથા કઠવાડાના જૂનિયર ઈજનેર અશ્વિનભાઈ પંચાલે કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ગત તા.૨૪ સપ્ટે.૨૦૧૮ના ઉત્તર ગુજરાત વીજ કંપની, બારેજાની કચેરી દ્વારા ડીસકનેક્શન અને રીકવરી કરવાની યાદી આપવામાં આવી હતી. જેમાં ખેડા તાલુકાના કલોલીના નરસિંહભાઈ ધુળાભાઈ પરમારનું ખેતી વિષયક વીજ જોડાણનું રૂપિયા ૫૪૭૬૩-૬૨ પૈસાનું વીજ બીલ લેણુ હોઈ વસૂલાત કરવા ગયા હતા. 
તે સમયે નરસિંહભાઈ પરમાર હાજર હતા પરંતુ તેમના ભાઈ નટુભાઈ ધુળાભાઈ પરમાર તથા ભત્રીજો ભૂપેન્દ્રભાઈ નટુભાઈ પરમાર ખેતરમાં હતા. વીજ કંપનીના કર્મચારીઓએ લેણાં વીજ બીલની વસૂલાત કરવા આવ્યા હોવાનું જણાવતા હાલમાં અમારી પાસે પૈસા નથી. વ્યવસ્થા થશે એટલે બીલ ભરી દઈશું તેમ જણાવ્યું હતું. આથી વીજ કંપની કર્મચારીઓએ ટ્રાન્સફોર્મરનું જમ્પર કાપવા જતા નટુભાઈ ધુળાભાઈ પરમાર તથા ભૂપેન્દ્રભાઈ નટુભાઈ પરમારે તેમને અટકાવીને જમ્પર કાપવા થાંભલા ઉપર ચડશો તો પગ કાપી નાંખીશ તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. એટલું જ નહિ વીજ જોડાણ કાપી નાંખશો તો તમામ પરિવારજનો થાંભલા ઉપર ચઢી આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે વીજ કંપનીની અરજી અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:08 pm IST)