ગુજરાત
News of Friday, 28th September 2018

AIFF નેશનલ સિનીયર ફૂટબોલમાં કટક-ઓડિશા ખાતે ગુજરાતના કેપ્ટન કુ.કર્ણવી સંજય કામદારની શાનદાર રમત

૧૧ નેશનલ, ૧૯ સ્ટેટ અને ૪૦ ડિસ્ટ્રીકટ લેવલ સહિત ૭૦ થી વધુ સહભાગીત્વ : GTU ફૂટબોલ ટીમના કેપ્ટન તરીકે અને બાસ્કેટબોલમાં યુનિ.ના પ્રતિનિધિ તરીકે કર્ણવીનો નેત્ર દીપક દેખાવ : એન્જિનીયરીંગની વિદ્યાર્થી કર્ણવી ફૂટબોલ-બાસ્કેટબોલના નેશનલ ખેલાડી સહિત અનેક રમતોમાં માહિર

રાજકોટ તા. ર૮: કટક-ઓડિશા ખાતે તા.૧૮ મી સપ્ટેમ્બરથી તા.૧ ઓકટોબર ર૦૧૮ સુધી AIFF - ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા રમાઇ રહેલી સિનીયર નેશનલ ચેમ્પીયનશીપમાં AIFF સંલગ્ન ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાતની ગર્લ્સ સિનીયર ફૂટબોલ ટીમમાં પોતાની મીડ ફિલ્ડર તરીકેની જાનદાર રમતથી પસંદગી પામી રાજકોટની 'કર્ણાવતી એકસપ્રેસ' તરીકે ઓળખાતી કુ. કર્ણવી સંજયકુમાર કામદારે ગુજરાતની ટીમના કેપ્ટન તરીકે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. કર્ણવી કામદારે ગુજરાતની ટીમના કેપ્ટન તરીકે આંધ્રપ્રદેશ અને વેસ્ટ બેંગોલની ટીમો સામે સુંદર ટીમવર્કથી લડાયક અને ઉમદા રમત દાખવી હતી.

તાજેતરમાં ગર્લ્સ સિનીયર ઇન્ટર ડિસ્ટ્રીકટ ફૂટબોલ ચેમ્પીયનશીપમાં રાજકોટ ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશનની ટીમ વતી ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી ગુજરાતની ટીમમાં સ્થાન પામેલી અને રાજકોટની સુપસ્રિદ્ધ શૈક્ષણિક સંસ્થા વી.વી.પી. અન્જિનીયરીંગ કોલેજના B.E.Computer Engineering 7th Semester ની વિદ્યાર્થીની કુ.કર્ણવી સંજયકુમાર કામદારે તા. ૬ થી ૧પ સપ્ટેમ્બર ર૦૧૮ સીદસર, ભાવનગર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે યોજાઇ ગયેલ સ્ટેટ કોચીંગ કેમ્પમાં પસંદગી તથા તાલીમ પામી કટક-ઓડિશા ખાતે રમવા જતાં કુલ ૧૧ મી વાર રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ખેલ જગતમાં ૧૧ વખત નેશનલ લેવલ, ૧૯ વખત સ્ટેટ લેવલ અને ૪૦ વખત ડિસ્ટ્રીકટ લેવલે સહભાગી થઇ હોનહાર ખેલાડી તરીકે પ્રતિષ્ઠા થનાર તેમજ અનેક પારિતોષિકો પુરસ્કારો અને એવોર્ડસ મેળવનાર કર્ણવી કામદાર ફૂટબોલ અને બાસ્કેટબોલના નેશનલ ખેલાડી હોવા ઉપરાંત નેટબોલ, થ્રો બોલ, કબડ્ડી, ટેબલ ટેનિસ, શોટયુટ, સ્વીમીંગ, લોંગ જમ્પ, એથ્લેટિકસ અને હર્ડલ્સ ૧૦૦, ર૦૦,૪૦૦,૮૦૦ મીટર્સ રનીંગ રેસ જેવી રમતોના ખેલાડી રહ્યા છે.'ઓલરાઉન્ડર સ્પોર્ટસ પર્સન' તરીકે જાનદાર પ્રતિભા દાખવી ચૂકયાં છે.

ઇ.સ.ર૦૦૯-૧૦ થી અત્યાર સુધીમાં એટલે કે ર૦૧૮ સુધીમાં સતત બે વખત કટક - ઓડિશા, ગ્વાલિયેર - મધ્યપ્રદેશ, અલવર - રાજસ્થાન, ફગવારા-પંજાબ, જયપુર - રાજસ્થાન, જબલપુર- મધ્યપ્રદેશ, ચારગાંવ - ગોવા, કોલ્હાપુર - મહારાષ્ટ્ર, ગાંધીનગર - પાટણ - ગુજરાત જેવા સ્થળોએ નેશનલ લેવલે ગુજરાતની ટીમ તથા GTU ની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે અને ગોલ્ડન કપ સ્ટેટ લેવલ ફૂટબોલ કોમ્પીટીશનમાં ટોપ સ્કોરર ટ્રોફી, બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, સ્વામી વિવેકાનંદ સેન્ટર ઓફ એકસલેન્સ સ્કીમ અંતર્ગત સતત બે વર્ષ ફૂટબોલ સ્કોલરશીપ, બેસ્ટ એથ્લેટ એવોર્ડ, ફૂટબોલ માટે બે વખત પ્રાઇડ ઓ સેંટમેરિઝ સ્કૂલ એવોર્ડ તથા  બેસ્ટ એથ્લેટ ઓફ ધ યર, બેસ્ટ ઇન સ્પોર્ટસ એવોર્ડ ઇન નિર્મલા સ્કૂલ, સ્પોર્ટસ મિનિસ્ટર નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ, બેસ્ટ સ્પોર્ટસ વુમન મેમેન્ટો ફોર બાસ્કેટ બોલ જેવા સન્માન અને પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે.

શ્રીમતી કણસાગરા મહિલા કોલેજ, રાજકોટના પ્રોફે.ડો. સંજય કામદાર અને શ્રીમતી કૃપાબેન કામદારના સુપુત્રી કર્ણવી કામદારને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિએનના માન. જનરલ સેક્રેટરી શ્રી ગુલાબ એચ.ચૌહાણ, કર્ણવીને માર્ગદર્શન આપનાર કોચ શ્રી જયેશભાઇ કનોજીયા અને કોચ શ્રી અરવિંદભાઇ મકવાણા તથા રાજકોટ ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશનના સૂત્રધારશ્રીઓએ અભિનંદન આપ્યા છે.

સંજયભાઇ કામદાર (મો.૯૮ર૪૪ પ૩૮૬પ) ઉપર ચિ.કર્ણવી માટે અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:02 pm IST)