ગુજરાત
News of Friday, 28th September 2018

ભાઇએ માત્ર સગી બહેન અને બનેવીની જ હત્યા નહિ, ઉદરમાં રહેલ બાળકની પણ હત્યા કરીઃ DYSP કામરીયા

સાણંદની જે ચકચારી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, તે ઘટનાની ભીતરી કથા :બે પ્રેમીઓ વચ્ચે સંબંધોનો નાતો એ પ્રકારનું હતો કે લગ્ન થવા શકય ન હતા

રાજકોટ, તા., ૨૮: તાજેતરમાં સાણંદ પંથકમાં એક ભાઇએ પોતાની સગી બહેન અને બનેવીની હત્યા કરી નાખી તે ઘટનાનો વિડીયો વાયરલ થતા ગુજરાતભરમાં આ ઘટના ચકચારી બની છે. આ ઘટનાની તપાસ ચલાવી રહેલા મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ડીવાયએસપી કે.ટી.કામરીયા કે જેઓએ આ ઘટનાની તલસ્પર્શી તપાસ કરી છે તેઓએ અકિલા સાથેની વાતચીતમાં યુવતીના સાસરીયાના કથનને ટાંકી એવું જણાવ્યું છે કે જે બહેનની હત્યા થઇ છે તેના ઉદરમાં બાળક ઉછરી રહયું હતું.

એસટી બસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં જેના પર હત્યાનો આરોપ છે તેવા હાર્દિક ચાવડાની બહેને વિશાલ પરમાર નામના શખ્સ કે જે આણંદ જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો.

તેણે હાર્દિકની બહેન તરૂણા ચાવડા સાથે ૬ માસ અગાઉ કોર્ટમાં લવમેરેજ કર્યા હતા. આ ઘટનાથી છોકરીના પરીવારવાળા ખુબ નારાજ હતા. આ નારાજગીનું કારણ એવું પણ હતું કે બંન્ને પ્રેમી પંખીડાઓ એવા સબંધથી સંકળાયેલા હતા કે જેમના લગ્ન સામાન્ય રીતે ન થઇ શકે. હત્યાનો વિડીયો વાયરલ થયા બાદ ડીવાયએસપી કે.ટી.કામરીયાએ શકમંદોમાંથી તરૂણાના ભાઇ પર જ ફોકસ કરી અને એલસીબી ટીમને હાર્દિકને ઝડપી લેવા કામે લગાડેલ અને પોલીસને હાર્દિકને ઝડપવામાં સફળતા પણ મળી હતી. સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ભાઇ હાર્દિકે પોતાની બહેન અને બનેવી જ નહિ પરંતુ તેના ઉદરમાં રહેલા બાળકની પણ હત્યા કરી નાખી હતી. આમ બે નહિ પણ ત્રણ હત્યા ગણી શકાય. પોલીસ દ્વારા હાર્દિકે હત્યા બાદ હથીયાર કયાં છુપાવ્યું છે? વિગેરે બાબતે શોધખોળ ચાલી રહી છે.

(3:21 pm IST)