ગુજરાત
News of Friday, 28th September 2018

ખોડલધામ-કાગવડના નેજા હેઠળ વડોદરામાં સૌપ્રથમ વખત નવરાત્રી મહોત્સવ

વડોદરા, તા. ર૮ : સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મ ગૌરવના પ્રતિક સમાન શ્રી ખોડલધામ-કાગવડના નેજા હેઠળ વડોદરામાં સૌ પ્રથમવાર નવરાત્રી મહોત્સવ-ર૦૧૮નું આયોજન કરાયું છે. શ્રી ખોડલધામ સમિતિ-વડોદરા દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં અંદાજે પ૦૦૦ ખેલૈયાઓ ગરબે ઘૂમી માઁ ખોડલની આરાધના કરશે. ભકિત દ્વારા એકતાની શકિતને ઉજાગર કરતો આ નવરાત્રી મહોત્સવ સોના પાર્ટી પ્લોટ, લક્ષ્મીપુરા રોડ-ગોરવા ખાતે તા. ૧૦થી ૧૮ ઓકટોબર સુધી યોજાશે.

વડોદરામાં યોજાનાર નવરાત્રિ મહોત્સવ અંગે માહિતી આપતા શ્રી ખોડલધામ સમિતિ-વડોદરાના કન્વીનર પ્રો. દિલીપ પટેલે જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સેવા-સંસ્કાર અને સંગઠનના ઉમદા ધ્યેયોને વરેલી સંસ્થા છે. આ ટ્રસ્ટના નેજા હેઠળ અનેકવિધ કાર્યક્રમોના આયોજન થકી ઉલેવા પટેલ સમાજે 'ભકિત દ્વારા એકતાની શકિત'ના સુત્રને સાર્થક કરી બતાવ્યું છે. સમાજને એક તાંતણે જોડતી વિવિધ પ્રવૃત્તિઓ અને સેવાયજ્ઞો અંતર્ગત ચાલુ વર્ષ ર૦૧૮માં વડોદરામાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

કન્વીનર પ્રો. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, શ્રી ખોડલધામ સમિતિ-વડોદરાએ સંપૂર્ણ પારિવારિક માહોલમાં મા ખોડલની ગરબા દ્વારા ભકિત કરવાની વિશેષ તૈયારીઓ કરી દીધી છે. નવરાત્રી મહોત્સવમાં યુવા પેઢી, માતાપિતા અને બાળકો સહિત ત્રણ-ત્રણ પેઢી એક સાથે આ પારિવારિક ઉત્સવમાં ભાગ લઇ માતાજીના સાંનિધ્યમાં ગરબે ઘૂમી ભાવનાત્મક માહોલ બનાવશે. ગરબા સ્થળ ફુડ કોર્ટ પણ તૈયાર કરાશે. આ ફુડ કોર્ટમાં ખાણીપીણીના ૧પ જેટલા સ્ટોલ થકી ખેલૈયાઓ અને ગરબા નિહાળવા આવનાર શહેરીજનો માટે વિવિધ વ્યંજનોનો રસાસ્વાદ કરી શકશે.

નરેશભાઇ પટેલ સહિત ખોડલધામના અગ્રણીઓ વડોદરા આવશે

ખોડલધામના નેજા હેઠળ વડોદરામાં સૌ પ્રથમવાર નવરાત્રી મહોત્સવ યોજાનાર છે. આ નવરાત્રી મહોત્સવ દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ સહિત ટ્રસ્ટી મંડળના અગ્રણીઓ વડોદરામાં યોજાનાર ખોડલધામના ગરબા સ્થળની મુલાકાત લઇ માતાજીની આરતીનો અને ગરબા નિહાળવાનો લ્હાવો લેશે.

વડોદરા હવે ખોડલધામના નેજા હેઠળ ગરબા યોજતુ ચોથું શહેર બનશે

શ્રી ખોડલધામ-કાગવડના નેજા હેઠળ દર વર્ષે રાજકોટ, જુનાગઢ અને અમરેલી ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે. હવે ખોડલધામ દ્વારા વડોદરામાં પણ નવરાત્રી મહોત્સવના આયોજનને મંજુરી અપાઇ છે. જેથી વડોદરા હવે ખોડલધામના નેજા હેઠળ ગરબા યોજતું ચોથું શહેર બનશે.

ગરબામાં રૂપિયા પ૦૦ના પાસમાં પરિવારના ૪ લોકોને એન્ટ્રી મળશે

વડોદરામાં ખોડલધામ દ્વારા આયોજિત ગરબા સ્થળે રૂ. પ૦૦ના પાસમાં પરિવારના ૪ લોકોને એન્ટ્રી મળશે. આ રૂ. પ૦૦ પૈકી રૂ. ૩૦૦ ખોડલધામ સ્મૃતિ અંકના ૧ વર્ષના લવાજમ પેટે જમા થશે. જયારે માત્ર ર૦૦ ગરબાના પાસ પેટે રહેશે. ગરબામાં વિવિધ સ્પોન્સર્સશીપ -જાહેરાતો, સ્ટોલ બુકીંગ માટેની રકમનો ચેક શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નામનો જ લેવાશે તેમ પ્રો. દિલીપ પટેલે જણાવ્યું હતું.

(3:12 pm IST)