ગુજરાત
News of Friday, 28th September 2018

સાંજે અમદાવાદમાં શ્રી સોમનાથ સુવર્ણ ચંદ્રક સન્માન સમારંભ : વિજયભાઇ ઉપસ્થિત રહેશે

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ર૮ : શ્રી સોમનાથ ટ્રસ્ટના સ્થાપકોએ ટ્રસ્ટની રચના સમયે સંસ્કૃતિ ભાષા અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો સંકલ્પ કરેલો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દર વર્ષે જેમણે સંસ્કૃત ભાષા માટે આજીવન સમર્પણ કરીને સવિશેષ કાર્ય કર્યું છે તેમને શ્રી સોમનાથ સુવર્ણચંદ્ર એનાયત કરવાની પરંપરા સ્થાપી છે.

શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક માટે વિદ્વાનોની પસંદગી માટે ત્રણ સભ્યોની સમિતિ બનેલી છે. જે સમિતિની ભલામણ અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી દ્વારા શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક માટે પસંદગી થાય છે અને તેમણે શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક, સન્માનપત્ર, સન્માન શાલ અને રૂ. ૧ (એક) લાખના રોકડ પુરસ્કારથી સન્માનવામાં આવે છે.

શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક સન્માન સમારોહ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક હોલ, સરદાર પટેલ ભવન શાહિબાગ અમદાવાદ ખાતે આજે સાંજે ૪ થી ૬ દરમ્યાન યોજાશે. જેમાં વર્ષ ર૦૧૭નો સુવર્ણચંદ્રક ડો. ગૌતમભાઇ પટેલ અને ર૦૧૮નો ડો. મણિભાઇ પ્રજાપતિને અર્પણ કરવામાં આવનાર છે.

ડો. ગૌતમભાઇ પટેલે પૂજય સ્વામી ગંગેશ્વરાનંદની પ્રેરણાથી વેદાંત, શંકરાચાર્ય અને કાલિદાસની કૃતિઓનું સંપાદન અને સંસ્કૃત સેવા સંસ્થા દ્વારા સંસ્કૃત ભાષાને એક નવી ઉંચાઇ બક્ષી છે. તેમના જીવનસાથી નિલિમાબેનનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. ડો. મણિભાઇ પ્રજાપતિ પણ ડો. ગૌતમભાઇ પટેલની જેમ આજીવન અધ્યાપક અને સંશોધક રહ્યા છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં જયાં જયાં સોમનાથનો ઉલ્લેખ છે તે સઘળાનું અધ્યયન-સંપાદન કરીને સોમનાથના ગૌરવને ઉજાગર કર્યું છે. ડો. મણિભાઇ પ્રજાપતિએ અધ્યાપક તરીકે અનેક વિદ્યાર્થીઓને સંસ્કૃતમય કર્યા છે.

આ પ્રસંગે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતી રહેશે. ઉપસ્થિત મહાનુભાવો માટે વિશેષ નૃત્યનાટિકા શિવાંજલી ડાન્સ ઇન્સ્ટીટયુટ દ્વારા મહાકવિ કાલિદાસના 'કુમારસમ્ભવમ્' આધારીત શિવ-પાર્વતી મીલન યોજાશે.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ શ્રી સોમાનથ ટ્રસ્ટના ફેસબુક પેઇજ- @Shrisomnathtemple પરથી પણ લાઇવ નિહાળી શકશો. (૮.પ)

(12:00 pm IST)