ગુજરાત
News of Friday, 28th September 2018

વડોદરા જવાહરનગર પી.આઇ. ઇન્‍દ્રજીતસિંહ સરવૈયા આરોપીને કસ્‍ટડીમાં ન મોકલવા રૂૂ.૩૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

વડોદરા- જવાહરનગર પોલીસ સ્ટેશનમાં બુધવારના રોજ એક પોલીસ ઈન્સપેક્ટર રંગેહાથે લાંચ લેતા ઝડપાઈ ગયો. 2 સપ્ટેમ્બરના રોજ પ્રોહિબિશનના કેસમાં ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિ પાસેથી 30,000 રુપિયા લાંચ લેતા PSI પકડાઈ ગયો હતો.

એન્ટી-કરપ્શન બ્યૂરોના જણાવ્યા અનુસાર, સબ-ઈન્સ્પેક્ટર ઈન્દ્રજિતસિંહ સરવૈયા પ્રોહિબિશન કેસના આરોપી ઉપેન્દ્રને કસ્ટડીમાં ન મોકલવા માટે 30,000 રુપિયા લાંચી માંગી હતી અને તેના ભાઈ મહેશ ગોહિલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા બદલ 4 લાખ રુપિયા લાંચ માંગી હતી. ઉલ્લેખનીય છે કે મહેશ ગોહિલ પણ આ જ કેસમાં સંડોવાયેલો છે.

ACBના સૂત્રોએ જણાવ્યું કે, ઉપેન્દ્ર જ્યારે જામીન પર છુટી ગયો ત્યાર પછી પણ PSI તેની પાસે ભાઈ મહેશ સામે કાર્યવાહી ન કરવા બાબતે ચાર લાખ રુપિયા માંગતો હતો. મહેશે જ્યારે જણાવ્યું કે તે આટલી મોટી રકમ નહીં આપી શકે, PSI 30,000 રુપિયા લેવા તૈયાર થઈ ગયો હતો.

મહેશ ગોહિલ લાંચના પૈસા ચુકવવા ન માંગતો હતો, માટે તેણે ACBને જાણ કરી. એજન્સી દ્વારા આખી યોજના તૈયાર કરવામાં આવી. યોજના અનુસાર બુધવારના રોજ જ્યારે PSIને લાંચની રકમ આપવામાં આવી રહી હતી, ત્યારે ACBના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને રંગેહાથ ઝડપી પાડ્યો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોહિલ અને તેનો ભાઈ કોયલીમાં રહેતા છે અને બન્ને બૂટલેગર છે.

(5:35 pm IST)