ગુજરાત
News of Wednesday, 28th July 2021

ધો.12 કોમર્સના માસ પ્રમોશનમાં ધો.10 ગણિતના ગુણ ગણવાની રીટ ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી

12 કોમર્સના પરિણામ દરમિયાન ગણિતના માર્ક ન ગણવાનો બોર્ડનો નિર્ણય ગેરકાયદે ઠેરવી શકાય તેમ નથી

અમદાવાદ :  ધોરણ -12 કોમર્સના માસ પ્રમોશન દરમિયાન આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ વિષયમાં ધોરણ- 10ના ગણિત વિષયના ગુણ ગણવાની થયેલી રીટ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાએ ફગાવી દેવાનો હુક્મ કર્યો છે. હાઇકોર્ટે રીટ ફગાવી દેતાં ચુકાદામાં નોંધ્યું છે કે 12 કોમર્સના પરિણામ દરમિયાન ગણિતના માર્ક ન ગણવાનો બોર્ડનો નિર્ણય ગેરકાયદે ઠેરવી શકાય તેમ નથી.

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિપત્ર પ્રમાણે ધોરણ 12ના આંકડાશાસ્ત્રના ગુણ ગણતી વખતે ધોરણ 10ના વિજ્ઞાન-ટેકનોલોજી, સમાજિક વિજ્ઞાન અને પ્રથમ ભાષાના ગુણો ધ્યાને લેવાશે. જ્યારે એકાઉન્ટના માર્કની ગણતરી કરતા સમયે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના માર્ક ધ્યાને લેવામાં આવશે. એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર ગાણિતિક વિષયો હોવાથી ધોરણ- 10ના ગણિતના માર્ક પણ ગણવા હાઇકોર્ટ સમક્ષ માગણી કરવામાં આવી હતી.

અરજદારની રીટ અરજીનો વિરોધ કરતાં બોર્ડ દ્વારા એવી રજૂઆત કરાઇ હતી કે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર ગાણિતિક વિષયો નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇને જ બોર્ડ દ્વારા માર્કની ગણતરીનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. બન્ને પક્ષોની રજૂઆત બાદ હાઇકોર્ટના જસ્ટિસ એન.વી. અંજારિયાએ પિટિશન ફગાવી છે અને નોંધ્યું છે કે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલો પરિપત્ર ગેરકાયદે અને ગેરરીતિભર્યો હોવાનું કહી શકાય તેમ નથી. તેથી અરજદારની માગણી સ્વીકારી શકાય તેમ નથી.

(11:40 pm IST)