ગુજરાત
News of Tuesday, 27th July 2021

અમદાવાદ: મહિલા કોન્સ્ટેબલને સમાધાનના કાગળો કરવાનું કહી પતિએ છૂટાછેડાના પેપર પર સહી કરાવી

રામોલમાં રહેતા મહિલા કોન્સ્ટેબલે રામોલ પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીયાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ : રામોલમાં રહેતી એક મહિલા કોન્સ્ટેબલને તેના સાસરિયાઓએ ત્રાસ આપી મારઝુડ કરતા પિયરમાં રહેવા જતા રહ્યા હતા. દરમિયાન પતિએ સમાધાનના કાગળો પર સહી કરવાનું કહી વકીલના ત્યાં લઈ ગયો હતો. મહિલા કોન્સ્ટેબલની જાણ બહાર છૂટાછેડાના કાગળો પર સહી કરાવી લીધી હતી. જો કે મહિલા કોન્સ્ટેબલને આ અંગે જાણ થતા તેણે રામોલ પોલીસ સ્ટેશનમાં પતિ સહીત સાસરીયાઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધાવ્યો હતો.

રામોલમાં રહેતી અને શહેર ટ્રાફિક વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી 29 વર્ષીય યુવતીએ વર્ષ 2018માં એક એન્જીનીયર યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં સાસરિયાઓએ લગ્ન કરાવ્યા હતા. લગ્નના થોડા દિવસ પછી મહિલા કોન્સ્ટેબલને ભાવનગર સાસરે લઈ ગયો હતો. ત્યાં આ મહિલા કોન્સ્ટેબલના સાસુ સસરા જેઠ જેઠાણી ત્રાસ આપવા લાગ્યા હતા અને કહેતા કે તને માત્ર નોકરી કરવા નથી લાવ્યા ઘરના કામ પણ કરવા પડશે. પતિ પણ તેને મારઝૂડ કરતો હતો અને પિયર માં પત્નીને જવા દેતો નહિ.

લગ્નના ત્રણેક માસ બાદ મહિલા કોન્સ્ટેબલને ગર્ભ રહ્યો હતો પણ પતિને બાળક જોઈતું ન હોવાથી કોન્સ્ટેબલે સંમતિથી બાળક રાખ્યું ન હતું. બાદમાં તેના સાસુ સસરા ચઢામણી કરી બાળક રાખવા દેતા ન હોતા. છેલ્લા દસેક દિવસથી આ મહિલા કોન્સ્ટેબલનો પતિ તેને મૂકીને જતો રહ્યો હતો. મહિલાના પિયરના સભ્યો અને સાસરિયાઓ સમાધાન માટે ભેગા થયા ત્યારે માહોલ બગડતા મહિલા કોન્સ્ટેબલ બેભાન થઈ ગઈ હતી. તેને સારવાર માટે લઈ જવાઇ હતી.

તાજેતરમાં મહિલા કોન્સ્ટેબલના બહેન બનેવી સાથે પતિ એક વકીલની ઓફિસે લઈ ગયો હતો જ્યાં આપણું સમાધાન થઈ ગયું છે તેમ કહી એક કાગળ પર સહી કરાવી લીધી હતી. બાદમાં ત્રણેક દિવસ મહિલા કોન્સ્ટેબલ રોકાઈ અને પછી અમદાવાદ એકલી પરત આવી હતી. હમણાં તેની તબિયત સારી ન હોવાથી તેણે પતિને હોસ્પિટલમાં લઈ જવા ફોન કરતા પતિએ ખુલાસો કર્યો કે જે કાગળ પર સહી કરાવી તે છૂટાછેડાના કાગળ હતા જેથી કાયદેસર છૂટાછેડા થઈ ગયા છે.

મહિલા કોન્સ્ટેબલને મનમાં લાગી આવતા તેણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં આપઘાત કરવા જવું છું તેવો મેસેજ કર્યો હતો. બાદમાં તે નોકરીએ જવા નીકળી હતી. મહિલા કોન્સ્ટેબલના પતિ સહિત સાસરી પક્ષના પાંચ લોકો વિરુદ્ધ વિશ્વાસઘાત, મારામારી, ત્રાસ આપવાનો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:32 am IST)