ગુજરાત
News of Saturday, 28th July 2018

યાત્રાધામ અંબાજીના ગોપાલ આશ્રમના સંચાલક રામગોપાલદાસજી મહારાજ સગી ભત્રીજીને ભગાડીને નાસી છૂટતા શોધખોળઃ જો કે પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને અમદાવાદ ફરવા લઇ ગયો હતો તેવું નિવેદન આપ્યું

અંબાજીઃ અંબાજીમાં એક પ્રખ્યાત સંત સગી ભત્રીજીને ભગાડી ગયાના આક્ષેપો છોકરીના માતપિતાએ લગાડતાં સંત સમાજમાં હાહાકાર મચી ગયો છે.

યાત્રાધામ અંબાજીમાં ગોપાલ આશ્રમનાં સંચાલક અને સંત તરીકે ઓળખાતા રામગોપાલદાસજી મહારાજ ઉપર આ આક્ષેપો લાગ્યાં છે. તેઓ છેલ્લા પંદર વર્ષથી અંબાજીમાં રહે છે. તેમને લોકો બાલ સંત તરીકે પણ ઓળખે છે. રામગોપાલદાશજી મહારાજ શ્રીરામ કથાનું વાંચન કરતાં હોય છે. ત્યારે આજે તેમનાં નાના ભાઇ દિનદયાલે પોતાની દીકરીને ભગાડી જવાનો આક્ષેપ કર્યો છે. નાના ભાઇ દિનદયાલ જ થોડા વર્ષો પહેલા પોતાની દીકરીને ભાઇ પાસે મુકી ગયા હતાં. હવે તે પુખ્તવયની થતાં તેને પરણાવવા માટે છોકરીના માતાપિતા તેને લેવા આવ્યાં હતાં. તેઓ અંબાજી પહોંચ્યાં ત્યારે તેમના ગોપાલ આશ્રમમાં તાળા જોવા મળતાં તેમને શંકા ઉપજી હતી. જેના કારણે તેમણે આખા અંબાજીમાં ફરીને તેમની શોધખોળ હાથ ધરી હતી.

યાત્રાધામ અંબાજીમાં ગોપાલ આશ્રમનાં સંચાલક અને સંત તરીકે ઓળખાતા રામગોપાલદાસજી મહારાજ ઉપર આ આક્ષેપો લાગ્યાં છે.

ઉત્તરપ્રદેશમાં રહેતા છોકરીના પિતા દિનદયાલ અગ્રવાલે પોતાનું નિવેદન નોંધાવતા કહ્યું કે, મારી દિકરી ને રામગોપાલદાસ મહારાજ ભગાડી ગયા છે. મેં એમને કહ્યું હતું કે અમે તેને લેવા આવવાના છે તેથી તે છોકરીને લઇને ફરાર થઇ ગયા હતાં.

છોકરીની માતા મીનાદેવી અગ્રવાલે પણ ખુલાસો કરતાં જણાવ્યું કે, અમદાવાદમાં રહેતાં કોઇ ટોપીવાળા મહારાજે ફોન ઉપર તેમને પોતાની દિકરી અમદાવાદથી લઇ જવાં જણાવ્યું હતું. તેમણે બિભત્સ ગાળાગાળી કરીને ધાકધમકી પણ આપી હતી.

જોકે આ સમગ્ર ઘટના બનતાં ગોપાલ આશ્રમનાં સંચાલક ગોપાલદાસ મહારાજ વહેલી સવારે જ પોતાની ભત્રીજી શશિકલાને લઇ અંબાજી દોડી આવ્યા હતા. તે પોતે નિર્દોષ છે તેમ જણાવતા કહ્યું હતું કે, 'હું કોઇ છોકરીને લઇને ભાગ્યો નથી. પણ મારી ભત્રીજી આશ્રમમાં એકલી હતી ને મારે બહાર જવાનું થતું હતું. તેને પણ બહાર આવવાની ઇચ્છા હતી જેથી હું તેને અમદાવાદ ફરવા માટે લઇ ગયો હતો. તે મારી દિકરી સમાન છે.

શશિકલા એ પણ આ બાબત ને નકારી હતી અને કહ્યું હતું કે,'પોતે રામગોપાલદાસ મહારાજ સાથે ગઇ હતી. હવે હું અહીં જ અંબાજી ખાતે રહીશ. મારા માતા પિતા મરી ગયા છે. હું જીંદગી ભર અંબાજી આ આશ્રમ માં જ રહીશ અને ભગવાન અને ગોપાલદાસજીની પૂજા કરીશ.'

અંબાજીના ઇન્ચાર્જ પી.આઇ કે.એસ.ચૌધરીએ જણાવ્યું કે, 'છોકરી નાં પિતાએ રામગોપાલદાશજી મહારાજ વિરૂધ્ધ ફરીયાદ આપતાં અમે તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.'

(5:54 pm IST)