વડોદરાના તાંદલજા મદિનાપાર્ક નજીક પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:ઉશ્કેરાયેલ પત્નીએ પતિના પીઠમાં ચપ્પુ મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલી પત્નીએ પતિને પીઠમાં ચપ્પુનો ઘા મારી દીધો હતો.જે અંગે પતિએ પત્ની સામે ફરિયાદ નોંઘાવી છે.
તાંદલજા મદિનાપાર્કની સામે રમજાન ફ્લેટમાં રહેતા હુસેન અસલમભાઇ શેખે પોલીસને જણાવ્યું છે કે,હું મારી પત્ની સાથે ભાડાના મકાનમાં રહું છું.મારી પત્નીને ગોદ ભરાઇની રસમ વખતે ગત તા.૨૦ મી ના રોજ ત્રણ વીંટી પહેરવા આપી હતી.ત્યારબાદ ૨૬ મી તારીખે મારી પત્ની પિયરમાં જતી હતી.તે સમયે તેના હાથમાં ત્રણની જગ્યાએ માત્ર એક જ વીંટી હતી.તે બાબતે પત્ની સાથે ઝઘડો થતા મને ડાબા ખભાની નીચે પીઠના ભાગે ચપ્પુ મારીને તે ભાગી ગઇ હતી.મને લોહી નીકળતુ હોય હું જાતે રિક્ષા ચલાવીને હોસ્પિટલમાં ગયો હતો.ત્યાંથી મેં મારા પિતાને ફોન કરતા તેઓ પણ દવાખાને આવ્યા હતા.ઘા ઉંડો હોય મને ફેફસા સુધી ઇજા થઇ હતી.