ગુજરાત
News of Monday, 28th June 2021

અમદાવાદ મનપાની સિલિંગ ઝુંબેશ સામે રિલીફ રોડના વેપારીઓનો વિરોધ : સામુહિક આત્મ વિલોપનની ચીમકી

રિલીફ રોડ પર 150થી વધુ દુકાનોને BU પરમિશન અંગે સિલ કરતા એક મહિનાથી વેપારીઓ ધંધા વિહોણા બન્યા

અમદાવાદ કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશ સામે રિલીફ રોડ (Relief Road) પર વેપારીઓએ વિરોધ કર્યો હતો. રિલીફ રોડ પર 150થી વધુ દુકાનોને BU પરમિશન અંગે સિલ કરવામાં આવી છે. એક મહિનાથી દુકાનો સિલ હોવાથી વેપારીઓની મુશ્કેલી વધી છે. રોજગારી બંધ થતાં વેપારીઓ અને કર્મચારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓ સિલ ખોલવા માટે એક મહિનાથી કોર્પોરેશનના ધક્કા ખાય છે. પરંતુ કોઈ નિરાકરણ ના આવતા હવે વેપારીઓની ધીરજ ખૂટી છે.

કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટનું ખોટું નામ વટાવી વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે. રિલીફ રોડ પરના વેપારીઓની માંગ છે કે તાત્કાલિક સિલ મરેલા કોમ્પલેક્ષ અને દુકાનો ખોલવામાં આવે.

સિલ ખોલવામાં નહીં આવે તો કાયદો હાથમાં લઈ વેપારીઓ સિલ ખોલવાની તૈયારી કરી છે. વેપારીઓ અને ધંધાદારીઓ જાતે સિલ ખોલી વેપાર ધંધા શરૂ કરશે. કોર્પોરેશન દ્વારા સિલ મારવામાં આવતા વેપારીઓની આર્થિક હાલત કફોડી બની છે અને સિલ નહીં ખોલે તો બે હજાર વેપારીઓએ સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

 

રિલીફ રોડ પર આવેલા વિશાલ કોમ્પલેક્ષમાં 35થી વધારે દુકાનો સિલ મારી દેવાઈ છે. વિશાલ કોમ્પલેક્ષના ચેરમેન મિતેષ શેઠે જણાવ્યું હતું કે અમારી દુકાનો કાયદેસરની છે. રાજચિઠ્ઠી, પ્લાન પાસ બધું જ છે. અમે કોર્પોરેશનને બોન્ડ આપ્યા. અધિકારીઓના જણાવ્યા મુજબ ફાયરના સાધનો વસાવ્યા, ફાયર એનઓસીના ઈન્સ્પેકશન માટે ફી ભરી. તમામ કાર્યવાહી કરવા છતાં સિલ ખોલવામાં નથી આવતા.

કોર્પોરેશનના અધિકારીઓ કહે છે કે અમારી પાસે સિલ ખોલવા કોઈ ગાઈડલાઈન જ નથી. જો કોર્પોરેશન પાસે સિલ ખોલવા કોઈ ગાઈડલાઈન ના હોય તો સિલ માર્યું કેમ? એક મહિનાથી અમે કોર્પોરેશનના ધક્કા ખાઈએ છે. પરંતુ કોઈ જવાબ આપતું નથી. હવે અમે કાયદો હાથમાં લઈ સિલ ખોલી નાખીશું અથવા સામુહિક આત્મવિલોપન કરીશું તો તેની જવાબદારી સરકારની રહેશે.

 

(11:32 pm IST)