ગુજરાત
News of Friday, 28th June 2019

વડોદરાના શીશુગૃહમાં તરછોડાયેલી 'મીશ્રી' ને મુંબઈના દંપતીએ લીધી દત્તક

શીશુગૃહના પારણે મળેલી મીઠી માધુરી મીશ્રીનો માતા પિતાના પ્રેમનો પાલવ મળ્યો

 

વડોદરા :સમાજ સુરક્ષા વિભાગ સંચાલિત વડોદરાના શિશુગૃહની આશ્રિત સાત મહિનાની મિશ્રીએ તેના જન્મદાતાએ અકળ કારણોસર આજથી સાતેક મહિના અગાઉ મિશ્રીને શિશુગૃહના પારણામાં તરછોડી છોડી દિધી હતી. શિશુગૃહના સત્તાધિકારીઓએ આ બાળકીના જૈવિક (બાયોલોજીકલ) માતાપિતાની ઘણી શોધખોળ કરી પરંતુ નિષ્ફળતા મળી. સરકારી શિશુગૃહ એકલવાયી મિશ્રીનું ઘર બન્યું અને સમાજ સુરક્ષાકર્મીઓના હેતપ્રેમ અને લાડ વચ્ચે એનો ઉછેર થવા લાગ્યો ત્યારે મુંબઇના દેબાશિષ રોય શર્મા અને વનશ્રી રોય શર્માએ પોતાના લાડપ્યાર અને દુલારનું કાયમી સરનામું આપીને પોતાની ઘરદિવડી તરીકે સ્વીકારી ત્યારે તેના ભાગ્યોદયનો સૂર્ય પૂર્ણ કક્ષાએ ખીલી ઉઠ્યો. પારણામાં મળેલી મિશ્રીને જાણે કે માતાપિતાના પ્રેમનું બારણું મળ્યું છે

   મિશ્રીને  જિલ્લા બાળ સુરક્ષા એકમના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે શર્માના દંપતિના સ્નેહથી છલોછલ ખોળામાં મિશ્રીને સોંપી હતી દત્તક સંતાન તરીકે માત્ર દિકરીને જ સ્વીકારવાના રોય શર્મા દંપતિના સંકલ્પને જિલ્લા કલેકટરએ હરખના ઉમળકાથી વધાવ્યો અને પ્રેરક ગણાવ્યો.હતો
  મિશ્રી (સંસ્થાએ ફોઇ બનીને કરેલું નામકરણ) ના બાયોલોજીકલ પેરન્ટસની અમે ઘણી શોધ કરી એવી જાણકારી આપતાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હેતલ પરમારે જણાવ્યું કે, એ શોધમાં નિષ્ફળતા મળતાં અમે મિશ્રીને લીગલ ફ્રી એટલે કે દત્તક આપી શકાય એવા બાળકનો દરજ્જો અપાવવા જરૂરી કાયદેસરની પ્રક્રિયાઓ કરી અને ત્યારબાદ, તેને દત્તક લેવા ઝંખતા હોય તેવા દંપતિની શોધ આદરી.હતી
   તેમણે જણાવ્યું કે, ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગનું એક cara નામક ઓનલાઇન પોર્ટલ છે જે દત્તક માટે ઉપલબ્ધ બાળકો અને દત્તક સંતાન ઝંખતા દંપતિઓ, પરિવારોના મિલાપનું કામ કરે છે. આ પોર્ટલની મદદથી વડોદરાની સ્પેશ્યલાઇઝડ એડોપ્શન એજન્સી (એસએએ) એ માત્ર શિશુ વયની બાળકીને દત્તક લેવા ઇચ્છતા રોય શર્મા દંપતિને શોધી કાઢ્યા. તેમનો સંપર્ક કરવામાં આવ્યો, સંબંધિત પરિવારની ઘર તપાસ સહિત તમામ કાયદાકીય પ્રક્રિયાઓ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવી અને આજે મિશ્રી રોય શર્મા પરિવારની લાડકી દિકરી તરીકે સ્વીકૃત થઇ હતી

   શિશુ ગૃહના પારણામાં સર્જાયેલી એક કરૂણા કથાનો, મિશ્રીને મુંબઇના માતાપિતા મળતા સુખદ અંત આવ્યો. જિલ્લા કલેકટરે મિશ્રીને યોગ્ય પરિવારનું છત્ર મળે એ માટે એસએએ, વડોદરા, જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ સમાજ સુરક્ષા વિભાગ સહિત સંબંધિતોએ મિશ્રીને માવતર મળે એ માટે ઉઠાવેલી જહેમત માટે અભિનંદન આપ્યા. તેમણે ખાસ કરીને બાળકીને જ દત્તક સંતાન તરીકે સ્વીકારવાની રોય શર્મા પરિવારની ધગશને બેટી બચાવો, બેટી પઢાવોના ઉત્તમ અને પ્રેરક દાખલા તરીકે બિરદાવી. મિશ્રીને માતાપિતાના સ્નેહનું સરનામું શોધી આપનારા આ તમામે ખરેખર સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.

(12:42 am IST)